હિન્દ ન્યુઝ, રાજકોટ
ભારતીય માનક બ્યૂરોની રાજકોટ શાખા દ્વારા રાજકોટમાં પેલેસ રોડ પર પ્રહલાદ પ્લોટમાં ગોલ્ડન પેલેસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મનુભાઈ જ્વેલર્સમાં તપાસ અને સીઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.
બ્યૂરોની રાજકોટ શાખા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ, બી.આઈ.એસ.ની ટીમની તપાસમાં જ્વેલર્સની આ શાખામાં ૨૭મી નવેમ્બરે હોલમાર્ક વિના સોનું વેચાતું હોવાનું ધ્યાને આવ્યું હતું, જેનાથી હોલમાર્ક સાથે સોનાના દાગીના-સોનું વેચવા અંગેના ૨૦૨૦ના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરનો ભંગ થતો હોવાથી હોલમાર્ક વિનાના સોનાને સીઝ કરવાની કાર્યવાહી કરાઈ હતી. બ્યૂરો દ્વારા હોલમાર્ક વિના વેચાણ માટે ડિસ્પ્લેમાં મુકાયેલી ૪૦.૦૭ ગ્રામ વજનની સોનાની નવ વિંટી અને ૩૨.૦૭ ગ્રામની સોનાની ચેઈન સીઝ કરાઈ છે.
ભારત સરકાર દ્વારા હોલમાર્ક અંગે જારી કરાયેલા આદેશ મુજબ, કોઈપણ વ્યક્તિ હોલમાર્ક તેમજ રજિસ્ટ્રેશન વિનાના સોનાના દાગીના-સોનાને આયાત, વિતરણ-વેચાણ, સંગ્રહ કે વેચાણ માટે પ્રદર્શિત કરી શકે નહીં.