હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આજે વિંછીયા તાલુકાના લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વિંછીયા પંથકમાં રૂપિયા ૨૭ કરોડના ખર્ચે આધુનિક સગવડયુક્ત નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે લોકોને સંબોધતા કહ્યું હતું કે, આશરે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે તૈયાર થનારા આ પેટા આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સ્તરની તમામ આરોગ્ય સારવાર મળશે.
તેમણે દેવપરાના પાટીયા નજીક રૂ. ૨૭ કરોડના ખર્ચે નવી આધુનિક મોટી હોસ્પિટલ બનાવવાની પણ જાહેરાત કરી હતી.
લાલાવદર ગામમાં રૂપિયા ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રમાં એક્ઝામિન રૂમ, વેઇટિંગ એરીયા, લેબર રૂમ, ટોયલેટ તેમજ રહેઠાણ વિભાગમાં લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન, બાથરૂમ, ટોયલેટ જેવી સુવિધાઓ બનાવવામાં આવશે.