હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા જિલ્લાના સાતેય તાલુકામાં તા. ૬ અને ૭ ડિસેમ્બરમાં રવી કૃષિ મહોત્સવ અંતર્ગત સેમિનારો યોજાશે.
રાજ્યમાં નર્મદા સહિત સિંચાઇ સુવિધાઓ વધી છે ત્યારે, શિયાળુ ખેતી માટેની તકોમાં આશાસ્પદ વૃદ્ધિ થઈ છે. તેને અનુલક્ષીને રાજ્ય સરકારે ડિસેમ્બર મહિનામાં રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના અધિકારીઓને રાજ્યના તમામ જિલ્લાઓમાં અસરકારક આયોજનનું માર્ગદર્શન આપ્યું હતું.
નિર્ધારિત રૂપરેખા અનુસાર તા.૬ અને ૭ ડિસેમ્બરના રોજ તેના વિવિધ કાર્યક્રમો જિલ્લા અને તાલુકા સ્તરે યોજાશે.રાજ્યમાં તાલુકાવાર ૨૪૮ કાર્યક્રમો યોજીને ટકાઉ ખેતી, પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી, કૃષિ પ્રદર્શન, ખેતી પાકોના મૂલ્ય વર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ ખેતીને પ્રોત્સાહન જેવા વિષયો આવરી લેવામાં આવશે. તેની સાથે ખેડૂતોને નમૂનેદાર પ્રાકૃતિક ખેતી કરનારાના ખેતરોની મુલાકાત કરાવવામાં આવશે.
કલેકટર બીજલ શાહે વડોદરા જિલ્લામાં ખેડૂતો મોટી સંખ્યામાં ભાગ લેવા પ્રેરાય એ રીતે અને વિવિધ ખાતાઓ સાથે સંકલન કરીને તાલુકાવાર અસરકારક કાર્યક્રમો યોજવા જિલ્લા ખેતીવાડી અધિકારીને અનુરોધ કર્યો હતો. કૃષિ પ્રદર્શન દર્શનીય અને માર્ગદર્શક બને એ પ્રકારનું આયોજન કરવા અને કૃષિ સહાય યોજનાઓ ના લાભાર્થીઓ ને મંજૂરી પત્રોના વિતરણનું આયોજન કરવા ખાસ સૂચના આપી હતી. તેમણે સંબંધિત તમામ વિભાગોને આયોજનમાં જરૂરી સહયોગ આપવા જણાવ્યું હતું.
વડોદરા જિલ્લામાં આગામી તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ તમામ તાલુકામાં રવી કૃષિ મહોત્સવ યોજાશે. જેમાં વડોદરા તાલુકા, ડભોઇ અને ડેસરમાં એમપીએમસી ખાતે, કરજણમાં પટેલ વાડી આરોગ્યમ હોસ્પિટલની બાજુમાં, પાદરામાં પ્રમુખ સ્વામિ મહારાજ ટાઉન હોલ, સાવલીમાં ભીમનાથ મહાદેવ મંદિર હોલ, શીનોરમાં સેગવા પટેલ સમાજની વાડી અને વાઘોડિયામાં ઇન્દ્રપૂરી ગરબા ગ્રાઉન્ડ ખાતે રવીકૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.