હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથાના બીજા દિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર વિશ્વ માટે વિકરાળ સમસ્યા બનેલા ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો વિશે વાત કરતા રાજ્યપાલએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ પર્યાવરણની બદલાતી પરિસ્થિતિથી ચિંતિત છે ત્યારે સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દેશભરમાં લાખો વૃક્ષોનું વાવેતર અને જતન થઈ રહ્યું છે. આજે પર્યાવરણનું સ્વાસ્થ્ય બગડ્યું છે ત્યારે વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે. સદ્દભાવના વૃદ્ધાશ્રમના આગામી સમયમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવવાના તથા તેનું જતન કરવાના સંકલ્પને વધાવ્યો હતો.
આ તકે રાજ્યપાલએ પર્યાવરણ બચાવ અને વડીલોની સેવા સુશ્રુષા અર્થે સેવારત સદ્દભાવના વૃદ્ધાશ્રમના પ્રણેતા વિજયભાઈ ડોબરિયાની કામગીરીની સરાહના કરી લોકોને તેમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું. રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વૃદ્ધાશ્રમના દાતાઓનું રાજ્યપાલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.
