પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરીને ડબલ આવક મેળવતા ઓલપાડ તાલુકાના આંધી ગામના ખેડૂત કિરીટભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, સુરત

દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી અનેક પહેલો કરવામાં આવી રહી છે.  

         લોકોના સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. દરેક ખેડૂતો પોતાની જમીનમાં એક ગુઠાથી પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને તેના પરિણામો મળ્યા બાદ આગળ વધે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ પણ થશે અને લોકોની આરોગ્ય ગરિમા પણ જળવાઈ રહેશે એ ખેડૂતોને સમજાયું છે, ત્યારે ઓલપાડ તાલુકાના આંધી ગામના ખેડૂતે મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બન્યા છે. પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડુતે કેળ, શેરડી, હળદર જેવા પાકોનું ઉત્પાદન કરીને તેનું મૂલ્યવર્ધન કરીને ડબલ આવક મેળવી છે. 

           કિરીટભાઈ કહે છે કે, આજના સમયમાં પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. વધતા જતા રાસાયણિક ખાતરો- પેસ્ટીસાઈડઝ, દવાઓના પરિણામે કેન્સર જેવા રોગોનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. ત્યારે ગાય, ગામડુ અને ખેતી વિના ઉદ્ધાર નથી.    

            વાત કરતા કિરીટભાઈ કહે છે કે, ૨૦૧૯ના વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોનું સંપુર્ણ પાલન કરીને ખેતીમાં અદ્દભુત પરિણામો મેળવ્યા છે. કેળ, શેરડી, પરવળ, ભીડા, ડાંગર, ટીંડોરા, હળદર જેવા મિશ્ર પાકોનું વાવેતર કરતા હોવાનું જણાવતા કહે છે કે, ખેતીપાકોમાં ઘન જીવામૃત, આચ્છાદન, બીજ સંસ્કાર, વાફસા(ભેજ) અને જૈવ વિવિધતા એમ પાંચ આયામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંકડામાંથી બનાવેલું પોટાશ, બાફેલા ચોખામાંથી હ્યુમિક એસિડ જેવા અનેક પ્રયોગો કરીને પોતાની જમીનને રસાયણયુકત ખેતીમાંથી મુક્ત કરી છે. 

          આ પ્રગતિશીલ ખેડૂત કહે છે કે, પંચસ્તરીય મોડેલના ઉપયોગથી અનેકગણું પરિણામ મળ્યું છે. પ્રાકૃતિક કૃષિથી મારી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે જેથી જમીનની ભેજ તારણશક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. સરવાળે વીજળી બિલ પણ ઘટ્યું, પાણીની બચત થઈ, જમીનમાં પણ સુધારો થયો અને એકંદરે અમારો ખેતીનો ખર્ચ પણ ઘટ્યો છે.

               તેઓએ પ્રાકૃતિક ખેતીનો પ્રસાર-પ્રચાર થાય તે માટે વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્રની યુ-ટયુબ ચેનલ તથા વોટસએપ ગ્રુપ બનાવ્યું છે, જેમાં સુરત, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને ભારતભરના ખેડૂતો, ગ્રાહકોનો સમાવેશ કર્યો હોવાનું તેઓ જણાવે છે. વધુમાં તેઓને પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મ વિકસાવવા માટે રાજય સરકારની રૂા.૧૩,૫૦૦ની સહાય પણ મળી છે 

           તેઓ કહે છે કે, પ્રાકૃતિક ખેતીમાં ઘરે બેઠા ઝીરો બજેટની ખેતી કરી શકાય છે. કોઈપણ વસ્તુઓ બજારમાંથી લાવવાની જરૂર ન પડે તેવું આયોજન થઈ શકે છે. તેઓ તાલુકાના કન્વીનર પણ છે અને ઓલપાડ તાલુકાના અનેક ખેડૂતોને માર્ગદર્શન આપી ચૂકયા છે. 

         કિરીટભાઈ કહે છે કે, આજે ગુજરાતમાં કેન્સર જેવા ગંભીર રોગનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી છે. જેથી ધરતીમાતાને પુન: ફળદ્રુપ બનાવવા અને લોકોને સ્વસ્થ, સશક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.    

                  કિરીટભાઈ કહે છે કે, મારા ખેતરમાં ઉત્પાદિત કૃષિ જણસોને હું દર રવિવારે સુરત ખાતે અડાજણ ખાતે આવેલી ક્રિશ ગૌશાળામાં વેચવા માટે આવું છું. સામાન્ય રીતે કેળા બજારમાં ૧૫ થી ૨૦ રૂપિયા કિલોએ વેચાણ થાય છે તેની સામે મારા ખેતરના કેળાને ૫૦ થી ૬૦ કિલોદીઠના ભાવ મળે છે. ગત વર્ષે એક વીઘામાં પરવળ ૨૦૦ કિલો, ટીડોરા ૮૦ કિલો, કારેલા ૩૦ કિલો, પાપડી ૪૦ કિલો જેવા મિશ્ર પાકોનું વાવેતર કરીને ઉત્પાદન મેળવ્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી. ગામનો પૈસો ગામમાં, શહેરનો શહેરમાં અને દેશનો પૈસો દેશમાં રહેશે. આ ખેતીમાં રોજગારીની પણ વિપુલ તકો રહેલી છે. પ્રગતિશીલ યુવાનો આ ખેતીને ઉન્નત બનાવી શકે છે.

           સૌ ખેડૂતોએ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ અને સમૃદ્ધ સમાજ તથા રાષ્ટ્રનિર્માણ માટે કટિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment