હિન્દ ન્યુઝ, સુરત
કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં નેશનલ હાઇવે, રોડ-રસ્તા, બ્રિજના કામોની સમીક્ષા બેઠક મળી હતી. વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ તથા ધારાસભ્ય સંદિપ દેસાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ પી.એમ.મિત્ર પાર્ક માટેના આભવા-ઉભરાટના રસ્તાનું કામ ઝડપી થાય તે માટે અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત નેશનલ હાઈવે પર હિન્દી અને ગુજરાતીમાં સાઈન બોર્ડ લગાવવામાં આવે તેમજ હજીરા ચાર રસ્તા પર સતત ટ્રાફિકને ધ્યાને લઈને હાઈવેના અધિકારીઓ તથા માર્ગ-મકાન વિભાગ સાથે મળીને યોગ્ય નિરાકરણ થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. જયારે કવાસ ચોકડીને ડેવલપમેન્ટ કરવા માટેની કામગીરી ઝડપી થાય તે માટે હાઇવે ઓથોરિટીને સૂચના આપવામાં આવી હતી.
હજીરા ચાર રસ્તાના બ્રિજ નીચેની જગ્યા મહાનગરપાલિકાને બ્યુટીફિકેશન માટે આપવા અંગે હાઈવેના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જયારે બુડીયા અને ગભેણી ખાતેના બ્રિજના નિર્માણની કામગીરી આગામી નવેમ્બર અને ડિસેમ્બરમાં પુર્ણ થશે તેમ હાઈવેના અધિકારીએ જણાવ્યું હતું. સુરત નવસારી સ્ટેટ હાઇવેના નિર્માણની કામગીરી ઝડપી શરૂ થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. ઈચ્છાપોરથી હજીરા જતા હાઈવેની આજુબાજુ હેવી વાહનો પાર્ક થતા હોય જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તે અંગે પાર્કિંગ બનાવીને પાર્ક થાય તે માટે જરૂરી કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, સુડાના મુખ્ય કારોબારી અધિકારી કે.એસ.વસાવા, હાઈવેના અધિકારીઓ, માર્ગ અને મકાન, હજીરા નોટીફાઈડ એરિયા, મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.