હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ઇણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવી સમયસર જાણ કરવા તેમજ લોકસમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તે દિશામાં કામ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ મિટિંગમાં બોરવાવ ગામે યોજાયેલી ગ્રામસભામાં બોરવાવ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અલગ અલગ મુદ્દાઓ પરત્વે કરેલી રજૂઆત તેમજ કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી.
જેમાં વાડી વિસ્તારના ખેતરાઉ રસ્તા રીપેરીંગમાં વન વિભાગના સહકાર બાબતે, વન વિભાગના વિસ્તારમાંથી પાઇપલાઇન વીજપોલ વગેરે પસાર કરવા મેળવવાની થતી પરવાનગી, વન વિભાગની જમીનની હદ પૂરી થતી હોય ત્યાં યોગ્ય સાઈનબોર્ડ લગાવવા બાબત, શેરડી તેમજ ગોળના રાબડાઓ શરૂ થાય ત્યારે વીજ કનેક્શન મેળવવા થતી મુશ્કેલીઓ વગેરે જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરી સમસ્યાઓના નિવારણ અંગે શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.
કલેક્ટરએ બોરવાવ ખાતેની આંગણવાડી પાસે સ્વચ્છતા અંગે તેમજ હાલનો અવેડો દૂર કરવા અને ત્વરીત અવેડો બનાવી આપવા બાબત, આંગણવાડીમાં જરૂરી રિનોવેશન અંગે ત્વરીત નિરાકરણ આવે તે દિશામાં જરૂરી પ્રયત્નો હાથ ધરવા સૂચનાઓ આપી હતી.
વધુમાં તેમણે વડાપ્રધાનના અમરેલી સ્થિત કાર્યક્રમ અંગે, ફાઈનાન્સ કમિશન વિઝિટ તેમજ ચિંતન શિબિરના સુનિયોજીત આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ગીર પશ્ચિમ ફોરેસ્ટ રેન્જનાં એસીએફ વિકાસ યાદવ, ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષી સહિત જિલ્લાનાં શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.