હિન્દ ન્યુઝ, વડોદરા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ ખાતેથી જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોઇચા (કનોડા) વિયર પ્રોજેક્ટ ઉપરાંત સાવલી એસટી ડેપોના વર્કશોપ સહિત કુલ ₹507.94 કરોડના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ કાર્યક્રમને વિકાસનો ઉત્સવ ગણાવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાખેલ પંચશક્તિ આધારિત વિકાસના પાયામાં રહેલ જળશક્તિ અને જનશક્તિને જોડીને ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવામાં આવ્યું છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ જળસંચયના વિવિધ અભિયાનોની પરિણામલક્ષી વિગતો આપતાં જણાવ્યું હતું કે, એક સમયે પાણીની અછત ધરાવતું ગુજરાત આજે જળક્રાંતિ સર્જીને ‘વોટર સરપ્લસ સ્ટેટ’ બન્યું છે.