હિન્દ ન્યુઝ, સુરત
સશક્ત મહિલા દ્વારા જ સશક્ત સમાજનું નિર્માણ શક્ય બને છે. સ્ત્રી સશક્તિકરણની દિશામાં ગુજરાતનો ઈતિહાસ અત્યંત ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી રહ્યો છે. ગુજરાતમાં એવું કોઈ ક્ષેત્ર બાકી નથી રહ્યું જેમાં નારીઓએ પોતાની કાબેલિયત અને ક્ષમતા પુરવાર ન કરી હોય એવામાં મિશન મંગલમ યોજના થકી ગામડાની બહેનોને સંગઠિત કરી, સ્વરોજગારી માટે કોશલ્ય વર્ધક તાલીમ પુરી પાડી તેમજ અંગત બચત માટે પ્રોત્સાહિત કરવાનો મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને એ મુખ્ય ઉદેશ છે. ગુજરાતની નારીઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ બની છે, જેનું જીવંત દ્રષ્ટાંત સુરતના ચોર્યાસી તાલુકાના હજીરા ગામની દસ બહેનોએ સ્વરોજગારી મેળવીને પુરુ પાડ્યું છે.
હજીરા સ્થિત એશિયાની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદન કરતી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના કોર્પોરેટ સોશ્યલ રિસપોન્સિબિલિટી વિભાગના સહયોગથી હજીરા ગામની દસ બહેનોએ ઘરનો ઉંબરો ઓળંગી આર્થિક રીતે પગભર થઇ સમાજમાં સ્વમાનભેર પોતાને અને પોતાના કુંટુંબને આર્થિક રીતે મજબુત કરવાનું સરાહનિય પગલું ભર્યું છે.
પીહું સખી મંડળના અમૃતાબેન પટેલે જણાવ્યું હતું કે, અમે દસ બહેનો સખી મંડળમાં નહોતા ત્યારે નાના મોટા છુટક કામ સાથે ઘર કામ જ કરતા હતા. અમારા સખી મંડળમાં કોઈ બહેનોએ ઉચ્ચ અભ્યાસ કર્યો નથી. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના સી.એસ.આર વિભાગના સહયોગથી હજીરા ગામની દસ બહેનોએ પીહું સખી મંડળની રચના કરીને ઘર આંગણે પોતાનો કલર ઝેરોક્ષ સાથે કેન્ટીનનો વ્યવસાય શરૂ કર્યો છે.અમે તો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે કંપનીના સહયોગથી અમને ખૂદનો વ્યવસાય કરવાની તક મળશે.
આગળ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હજીરા વિસ્તાર ખૂબ જ મોટા ઈન્ડ્સ્ટ્રીયલ વિસ્તાર છે. કામદારોને ઝેરોક્ષ કરવા, પ્રિન્ટ કઢાવવામાં કે સ્ટેશનરીના કામ અર્થે ઘણે દૂર ગામમાં જવું પડતું હતું. જેથી કામદારોના સમય અને નાણાનો વ્યય થતો હતો. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના સી.એસ.આર વિભાગના વિઝનરી વિઝન થકી ગામની બહેનોને કલર ઝેરોક્ષ મશીન આપવાની સાથે કંપનીના કમ્પાઉન્ડમાં વ્યવસ્થિત જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે કંપનીના નાના મોટા ફંકશનમાં ચા-નાસ્તાનો ઓર્ડર પણ અમારા સખી મંડળને મળવાથી વર્ષે બેથી અઢી લાખ રૂપિયાની આવક મેળવીને દરેક બહેનો બચત પણ કરીએ છીએ અને ઘર આંગણે છાયડામાં બેઠા બેઠા પોતાનો વ્યવસાય પણ કરતા થયા છીએ એમ તેમણે ઉમેર્યું હતું.
દરિયાઈ કાંઠા વિસ્તારમાં ઘર આંગણે પોતાનો વ્યવસાય કરીશું એવું વિચાર્યું પણ નહોતું અને સખી મંડળની રચનાથી બહેનોમાં વ્યવસાય કરવાનું નવું સાહસ દેખાયું છે એમ પીહું સખી મંડળના પ્રમુખ અમૃતાબેન પટેલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.