હિન્દ ન્યુઝ, સુરત
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના વડપણ હેઠળ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં જન પ્રતિનિધિશ્રીઓએ રજૂ કરેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ આવે તે માટે સબંધિત અધિકારીઓને કાર્ય કરવા માટે કલેકટરએ સુચનાઓ આપી હતી.
બેઠકમાં ધારાસભ્યશ્રી સંદિપ દેસાઈએ પાલનપુર ગામમાં સિટી સર્વેની કામગીરી મંથરગતિએ થતી હોય ઝડપી કરવા અંગેની રજૂઆત સંદર્ભે કલેકટરશ્રીએ આ વિસ્તારમાં કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અંગે સરકારમાં ભલામણ કરવાની સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટને સુચના આપી હતી. આ ઉપરાંત તેમણે આયુષ્માન ભારત યોજના માટે રેશનકાર્ડમાં વિગતોમાં સ્પેલિંગની અનેક ભુલો ધ્યાને આવે છે અરજદારો દ્વારા વારંવાર કચેરીઓ પર ધકાઓ ખાવા છતા ભૂલો આવતી હોય તેમજ નાગરિકોના કાર્ડ સાઈલન્ટ થઈ જતા હોવાની રજૂઆત સંદર્ભે જિલ્લા કલેકટરએ પુરવઠા અધિકારીને કાર્યવાહી કરવાની સુચના આપી હતી. પૂરવઠા અધિકારીએ જણાવ્યું કે, હાલમાં સુરતમાં ૧૦ લાખથી વધુ રેશનકાર્ડ કે.વાય.સી થઈ ચૂકયા છે અને ઝડપથી કે.વાય.સી.નું કાર્ય થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઈચ્છાપોરથી હજીરા તરફ અને ઈચ્છાપોરથી ભેંસાણ સુધીના ભાગમાં સર્વિસ રોડ પર મોટા વાહનો ગેરકાયદેસર પાર્કિંગ કરીને લાંબા સમયથી પડયા રહેતા અકસ્માત થવાની સંભાવનાઓને ધ્યાને લઈ વાહનો દૂર કરવાની રજૂઆત કરી હતી. આ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરતા વારંવાર કાર્યવાહી કરવા છતા પણ મોટા વાહનો રોડની બન્ને બાજુ પાર્કિંગ કરવામાં આવે છે. જેથી જિલ્લા કલેકટરએ ઓલપાડ એસ.ડી.એમ.ને લોકલ કમિટી બનાવીને જે તે વાહનોની માલિકીની કંપનીઓ વિરૂધ્ધ ૧૩૩ હેઠળ ગુનો દાખલ કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત ધારાસભ્યએ સુરત પાલિકાની હદ વિસ્તરણમાં નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે સરકાર હસ્તકની જમીનો આપવાની કાર્યવાહી ઝડપી કરવાની રજૂઆત કરી હતી. મઢી અને પીપરીયા ગામોમાં જમીન ખાતેદારો પર બોજાઓ પડયા છે જે દુર કરવા રજૂઆત કરી હતી.
બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે કહ્યું કે, એસ.સી. જાતિના ધો.૧થી ૧૦ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ મેળવવા માટે ઈ-કેવાયસીની કામગીરી જે તે શાળાઓ દ્વારા મંદ ગતિએ ચાલતી હોય કામગીરી ઝડપી થાય તે અંગેની રજૂઆત કરી હતી જે સંદર્ભે કલેકટરએ જિલ્લા શિક્ષણાધિકારી, શાસનાધિકારી, પ્રાથમિક શિક્ષાણાધિકારીઓને જે તે શાળાઓને કામગીરી ઝડપી કરવાની સુચના આપી હતી. મગદલ્લા-ધુલીયા નેશનલ હાઈવે નં.૫૩ પર આવેલ ધુલિયા ચોકડી બ્રીઝની નીચે બારડોલી નગરપાલિકા દ્વારા બ્યુટીફિકેશન માટે જગ્યા ફાળવવા માટે રજૂઆત સંદર્ભે કલેકટરએ હાઈવેના અધિકારીને તત્કાલ જગ્યા ફાળવવા જણાવ્યું હતું. વંઝોળીયા ગામે વરસાદી પાણીની કોતર ખુલ્લી કરવામાં નહી આવે તો ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થાય તેમ હોય જેથી કલેકટરશ્રીએ સંબધિત અધિકારીને કોતર ખુલ્લી કરવાની સુચના આપી હતી. આ ઉપરાંત તેમણે બારડોલી તા. પંચાયત ખાતે આધારકાર્ડની કીટમાં ઓપરેટર ફાળવવા, લાજપોર જેલ માટે અલગથી એચ.ટી. એકસપ્રેસ ફિડર ફાળવવા, બંદિવાનો દ્વારા સંચાલિત જેલ ભજીયા હાઉસ માટે જમીન ફાળવવા, સુરત મહાનગરપાલિકા દ્વારા મીઠા પાણીની પાઈપલાઈન લાજપોર મધ્યસ્થ જેલ સુધી લંબાવવા જેવી રજૂઆતો કરી હતી.
ધારાસભ્ય મનુભાઈ પટેલે આધારકાર્ડ સેન્ટર વધારવા, જી.ઈ.બી.ના ટ્રાન્સફોર્મરો ખસેડવા અંગે રજૂઆતો કરી હતી. ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીએ સમગ્ર સુરત શહેરમાં થયેલ પ્રોપર્ટી કાર્ડની કામગીરી અંગે રિપોર્ટ આપવા તથા અડાજણ વિસ્તારમાં સોમથી શુક્રવાર સુધી રેશનકાર્ડની કામગીરી શરૂ રાખવાની રજૂઆત કરી હતી.
ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે લિંબાયત વિસ્તારમાં સંજયનગર સર્કલ ખાતે પોસ્ટ ઓફિસ નાની હોય પ્રજાને સમસ્યા થઈ રહી છે તે અંગેની રજૂઆત સંદર્ભે પોસ્ટ વિભાગના અધિકારીઓ નજીકમાં જગ્યા ભાડે લઈને પોસ્ટ ઓફિસ ખસેડવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું. લિંબાયત વિધાનસભામાં બી.એસ.સી યોજના અન્વયે કેટલાક લાભાર્થીઓને સહાય ન મળી હોવા અંગેની રજૂઆત કરી હતી.
સંકલનની ભાગ-૨ની બેઠકમાં જે તે વિભાગના નાગરિક અધિકારપત્રો, એ.જી.ના પારા, પડતર કાગળો, સરકારી બાકી લેણાની વસુલાત, ખાતાકીય તપાસ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિ.પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનબેન પટેલ, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારીઓ, મામતલતદારો, સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.