શરદ ઋતુના ઉમંગ‌ ભર્યા ઓછવમાં પૂ.શરદભાઈ વ્યાસનો ૬૪માં અવતરણ દિનનો ઉત્સવ

હિન્દ ન્યુઝ, વલસાડ

      પ.પૂ.શરદદાદા એટલે ધરમપુરમાં ધર્મનું અજવાળું, યજ્ઞનિધિના તપનો પ્રભાવ, મંત્રનો ધ્વનિ,વેદોની રુચા, બ્રાહ્મણનું સામીપ્ય, ભાગવતનું અનન્ય ભાથું. આ બધા યોગ જેનામાં વ્રત નિષ્ઠા અને જન્મ કલ્યાણનો ભાવ હોય ત્યાં જ ભેગા થાય. આવા ઉમદા વ્યક્તિત્વના માલિક! વ્યાસપીઠ જેનાથી શોભે એવા વક્તા ગુણીજન અને સમાજહિત ચિંતક પૂજ્ય શરદભાઈ વ્યાસ (દાદાશ્રી)

     ભગવાન શ્રીકૃષ્ણ‌ પરમાત્માની અત્યંત અનુકંપાથી તથા શ્રીમદ્ ભાગવતજીની અહેતુ કૃપાથી, પૂ.શરદભાઈ વ્યાસના તત્વાવધાનમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા “વ્યાસ કુટીર”માં અવિરત ચાલી રહેલો શ્રીમદ્ ભાગવતજીનો મહાયજ્ઞ જે “યજ્ઞ નિધિ”ના નામથી વિદિત છે.”યજ્ઞ નિધિ” નો પ્રારંભ સવંત ૨૦૭૧ આસો સુદ ૧૧ પૂ. શરદભાઈ વ્યાસનાં જન્મદિનના પાવન દિવસે થયો હતો, એ યજ્ઞનિધિનો નવમ પાટોત્સવ પૂ. દાદાના ૬૪માં જન્મદિને ૧૩ ઓક્ટોબરે ઉજવવામાં આવ્યો હતો. 

પૂજ્ય દાદાશ્રી ના સંકલ્પ અનુસાર આ યજ્ઞમાં પ્રતિદિન સ્થાપિત દેવતાઓની પૂજા અને ૧૦૦૮ ભાગવતના શ્લોકો ની આહુતી આપવામાં આવે છે એજ અનુસંધાનમાં નવમ વર્ષની પુર્ણાહુતી સમયે કુલ ૨૫૧ શ્રીમદ્ ભાગવતજીના હોમાત્મક પરાયણ પૂર્ણ થયા,જેની સંખ્યાત્મક ગણના ૫૧,૩૧,૭૨૧ આહુતીઓ આજ દિન પર્યંત વિશ્વ કલ્યાણ માટે તથા પૂ.દાદાશ્રીની વ્યાસપીઠ પર શ્રદ્ધા રાખતા ભક્તો તથા તેમના પરિવારના મંગલમય જીવન માટે અર્પણ કરવામાં આવી. 

નવમ વર્ષ યજ્ઞ,ધ્વજા રોહણ અને પૂ. દાદાશ્રી એ આશિર્વચન આપતા કહ્યું કે, ગીતાનાં ત્રણ મહામૂલ્યો છે, અભયમ, અનાસક્તિ અને કર્મયોગ. દાદાશ્રીએ સુંદર પંક્તિ વાગોળી હતી.

 હું જોખમો સાથે આશ્રય શોધવા પ્રાર્થના ન કરુ,

 પરંતુ તેનો સામનો કરવાની‌ નિર્ભયતા કેળવુ,

હું મારા દુઃખ કરવા માટે આજીજી ન કરું,

 પરંતુ તેને જીતી લે તેવા હૃદય માટે પ્રાર્થના કરુ! 

શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ શિક્ષક રહ્યા છે. રણ મેદાનનું ગીત એટલે ગીતા અને ગીતામાં શ્રીકૃષ્ણ એ અર્જુનને યુદ્ધ માટે કેવી રીતે તૈયાર કર્યાં છે? નિરાશ/હતાશ થયેલા અર્જુનને ભગવાને યુદ્ધ માટે તૈયાર કર્યો છે. યુદ્ધના મેદાનમાં ડર કેમ ચાલે? સૌપ્રથમ યોગેશ્વરે પ્રાર્થ‌‌ ને ભય મુક્ત કર્યા છે. “તુ અવિનાશી અને અમર છે.” આવું વાક્ય હરિના સ્વમુખે સાંભળનાર ક્યારેય ડરે ખરો? બસ, આપણે આ જ કામ કરવાનું છે. 

 

અનાસક્તિ એટલે સો ટકા કર્તવ્યનિષ્ઠા અને પરિણામની ચિંતાથી મુક્તિ. યુદ્ધમાં બે જ સંભાવના છે, હાર કે જીત. આમ, અનાસક્તિના પાયામાં પણ અભયમ નું અમૃત છે. અભયમ અને અનાશક્તિ કેળવાય ત્યારે કર્મયોગનું ખરું સ્વરૂપ પ્રગટ થાય!  ગોવિંદની ડિક્ષનરીમાં એક જ શબ્દ હતો- સખા!અભયમ માટે મૈત્રીભાવ હોવો અનિવાર્ય છે. મૈત્રીભાવ અનાસક્તિ અને કર્તવ્યનો પ્રેરણાશ્રોત છે.મૈત્રી ભાવ ખૂબ જ આવશ્યક છે. દરેક માતા-પિતાનું કર્તવ્ય તો એ જ છે કે પોતાના પુત્ર/પુત્રીને સાચી રીતે ભણાવી-ગણાવીને પ્રથમ પંક્તિમાં બેસવા લાયક બનાવે.લાખો રૂપિયા હોય, બુદ્ધિના ભંડારો હોય અને વિદ્વતાના વિવિધ રંગો હોય,પણ નિખાલસ દિલ ન હોય તો જીવનની સાચી તક મળતી નથી. હકીકત એ છે કે પવિત્ર ગ્રંથમાં દરેક પ્રશ્નનો ઉકેલ આપવામાં આવ્યો છે પરંતુ આજનું વિશ્વ વ્યસ્ત બની ગયું છે અને આપણી પાસે આ બૌદ્ધિક અને સદગુણી વાંચવાનો સમય નથી. પરિવર્તન એ કુદરતનો નિયમ છે આપણા શરીરમાં લાગણીઓ અને ધારણાઓ છે અને આપણી આસપાસ જે કંઈ પણ છે તે પ્રવાહની સ્થિતિ છે. જીવનમાં સફળ થવા વ્યક્તિએ પરિસ્થિતિઓ ને‌ અનુકૂળ થવુ જોઇએ.

 અંતે પંક્તિ દ્વારા દાદાશ્રી આશિર્વચન આપી શુભેચ્છા પાઠવી….

ઝાકળ ભીની ઈચ્છાઓ

 લઈને ફરું છું,

 મારી હથેળીમાં…..

 ત્યાં સવારનો દઝાડતો

 તડકો આવે છે,

 ઈચ્છાઓ વરાળ બની

 ઉડી જાય છે…..!!

    આ અવસરે દાદાના‌ જ્યેષ્ઠ પુત્ર અને ભાગવતાચાર્ય પૂ.આશિષભાઈ વ્યાસે વ્યાસ મંદિરનાં થનારા નિર્માણની માહિતી આપી અને ૧૧ મે -૨૦૨૫ માં અયોધ્યામાં દાદાશ્રીના મુખે થનારી રામકથા અને ૨૫ જાન્યુઆરી -૨૦૨૫ સુખાલા સાંઈ ધામમાં ૫૧ દિકરીઓના લગ્નની માહિતી આપી સમગ્ર ઉત્સવનું વાતાવરણ જીવંત બનાવી સુચારુ સંચાલન કર્યું હતું.ઉત્સવમાં જિ.ભા.પ્રમુખ હેમંતભાઇ કંસારા, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ડૉ.ડી.સી.પટેલ, ભાગવતાચાર્ય પૂ.ભરતભાઈ વ્યાસ, શિવ કથાકાર પૂ.બટુકભાઇ વ્યાસ, દાદાના ધર્મ પત્ની શ્રીમતી કમળાબેન વ્યાસ, લધુ પુત્ર શ્રી પધુમન વ્યાસ, નગરજનો, મહેમાનો, ડૉક્ટરો, વકીલો, શિક્ષણવિદ્, પત્રકારો‌ અને શુભેચ્છકો એ પૂ.દાદાશ્રીને જન્મદિનની હૃદય પૂર્વક શુભેચ્છા પાઠવી ભગવાન શ્રીકૃષ્ણ‌ને‌ દાદાશ્રીની દીર્ધાયુની પ્રાર્થના અર્પી હતી.


ગીતાનાં ત્રણ મહા મૂલ્ય છે : અભયમ, અનાસક્તિ અને કર્મયોગ – પૂ.શરદભાઈ વ્યાસ‌


લાખો રૂપિયા હોય, બુદ્ધિના ભંડારો હોય અને વિદ્વતાના વિવિધ રંગો હોય,પણ નિખાલસ દિલ ન હોય તો જીવનની સાચી તક મળતી નથી – પૂ.શરદભાઈ વ્યાસ


રિપોર્ટર : મહેશ ટંડેલ, ધરમપુર

Related posts

Leave a Comment