હિન્દ ન્યુઝ, રાજકોટ
બાળકોમાં અદભુત શક્તિઓ રહેલી હોય છે, બસ જરૂર છે તેમનામાં રહેલી આ શક્તિઓને ઉજાગર કરવાની. માતા-પિતા બાળકોમાં વિશ્વાસ મૂકે, પૂરતી તક અને પ્રોત્સાહન આપે તો બાળકો તેમના મનગમતા ક્ષેત્રમાં વિકાસ કરી શકે છે, જેનું ઉત્તમ દ્રષ્ટાંત છે દધ્યંગ કાકડીયા. જેણે માત્ર ૧ જ મિનિટમાં ૭૫ ગુણાકારના દાખલા ગણીને “ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડસ”માં નામ નોંધાવ્યું છે તેમજ પરિવાર તથા રાજકોટ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
હાલ રાજકોટના રહેવાસી અને મૂળ કુવાડવા ગામના વતની દિલીપભાઇ કાકડીયા ગૌરવ સાથે જણાવે છે કે, મારા પુત્ર દધ્યંગની કાબેલિયતને કારણે હવે મને નવી ઓળખ મળી છે. ગણિતની દુનિયાની આ નોંધપાત્ર સિદ્ધિ મેળવવા માટે તે છેલ્લા ૧૬ મહિનાથી રોજની ૨થી ૩ કલાક તૈયારી કરતો હતો. સામાન્ય રીતે, કોઈપણ સ્પર્ધામાં માતા-પિતા બાળકને વિજેતા બનાવવા માટે જ ભાગ લેવડાવતાં હોય છે. પરંતુ અમે કોઈપણ પ્રકારની અપેક્ષા વગર સતત ત્રણ વર્ષ બાળક માટે પૂરતો સમય ફાળવ્યો હતો. ગોંડલના પરફેક્ટ કલાસીસના માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરાએ તેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.