હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિક સમસ્યા નિવારણ, માર્ગ પર ટ્રાફિક નિયમનની જાળવણી તેમજ સી.સી.ટી.વી. અંતર્ગત અલગ-અલગ જગ્યાએ લગાડવામાં આવેલ VISWAS કેમેરા દ્વારા ગુણવત્તાસભર રેકોર્ડિંગ થાય તે સારૂ વાહનોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ ગોકલાણીએ એક જાહેરનામા દ્વારા જિલ્લાના કેટલાક વિસ્તારોને આગામી તા.૨૭/૦૪/૨૦૨૩ સુધી “નો – પાર્કિંગ ઝોન” જાહેર કરીને વાહનોના પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામા અનુસાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ ચોકડીથી વસુંધરા મીલ સુધીનો સમગ્ર રોડ, સર્કિટ હાઉસથી પેટ્રોલ પંપ ચોકડી, બસ સ્ટેશન, એસ.બી.આઈ. બેન્ક સુધીનો સમગ્ર રોડ તથા પેટ્રોલ પંપ ચોકડીથી રંગપુર નાકા સુધીનો સમગ્ર રોડ, જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુર પાવી એસ.ટી. ચોકથી ૧૦૦ મીટર આજુબાજુનો હાઈવે રોડ પરનો વિસ્તાર, બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોડેલી એસ.ટી ડેપોથી ૧૦૦ મીટર આજુબાજુનો વિસ્તાર તથા બોડેલી અલીપુરા ચોકડીથી રોડની ૧૦૦ મીટરની આજુબાજુનો વિસ્તાર, કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નસવાડી ચોકડીની આજુબાજુના રોડ પર ૧૦૦ મીટરનો વિસ્તાર, નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નસવાડી આઈ.સી.આઈ.સી.આઈ બેન્કના એટીએમથી રેલવે ફાટક સુધીનો સમગ્ર રોડ, નસવાડી પીક-અપ સ્ટેન્ડથી પી.ડબલ્યુ.ડીની જુની ઓફિસ સુધીનો રોડ તથા નસવાડી એસ.બી સોલંકી હાઈસ્કુલથી સરકારી ગેસ્ટ હાઉસ સુધીનો સમગ્ર રોડ અને સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંખેડા એસ.ટી. ડેપોની ૧૦૦ મીટરની આજુબાજુનો વિસ્તાર “નો – પાર્કિંગ ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ એમ્બ્યુલન્સ તથા અન્ય ઇમરજન્સી વાહનો, ફાયર સેફ્ટીના વાહનો, રસ્તા કે ઇલેક્ટ્રિસિટી રીપેરીંગ વાહનો, સરકારી બસ તથા અન્ય સરકારી વાહનો જેઓને ફરજ ના ભાગરૂપે સ્થળે જવાની ફરજ હોય તેમને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.