ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાઅધ્યક્ષસ્થાને દિશા સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મુછાર સહિતના જનપ્રતિનિધિઓ અને કલેક્ટર એચ.કે.વઢવાણિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગની યોજનાઓ અને કામો લક્ષ્યાંક મુજબ વહેલી તકે પૂર્ણ કરવા વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકને સંબોધતા સાંસદ એ જણાવ્યું હતું કે દિશા સમિતિ જિલ્લામાં વિવિધ વિભાગના બાકી કામો ઝડપી પૂરા કરવા તેમજ જરુરિયાત મુજબના નવા કામોની વહિવટી મંજૂરી લઈને વહેલી તકે ખાતમુહૂર્ત કરવું અને સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ વધુને વધુ લાભાર્થીઓને આવરી લેવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું.જ્યારે કલેક્ટરએ આવાસ, માર્ગો, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, કૃષિ–સિંચાઇ, વીજપુરવઠો, પશુપાલન, જળસંચય, આદિજાતિ કલ્યાણ સહિતની યોજનાઓ અને ક્ષેત્રોમાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં નવી આંગણવાડીઓ બનાવવાની કામગીરીની વહેલી તકે મંજૂરીઓ સહિતની કામગીરી પૂર્ણ કરીને કામ ચાલુ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં આઈસીડીએસ, શિક્ષણ, પુરવઠા, માર્ગ મકાન પંચાયત, આરોગ્ય, બેન્કિંગ, ખેતી-પશુપાલન સહિતના વિભાગોના વિકાસ કાર્યો તેમજ યોજનાઓ અંતર્ગત આપવામાં આવતા લાભોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોંધરા સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબહેન ભગલાણી વેરાવળ પ્રાંત અધિકારી કે.વી.બાટી, ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, પુરવઠા અધિકારી મોદી સહિત ખેતીવાડી, શિક્ષણ, આરોગ્ય, એસટી ડેપો સહિત વિવિધ વિભાગોના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment