કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્રોલ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર 

           રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાની હેઠળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઝુંબેશ હેઠળ કેબિનેટમંત્રી અને અધિકારીઓ તેમજ આજુબાજુના લોકો દ્વારા સફાઇ હાથ ધરવામાં આવી હતી.

 

આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરેલ સ્વચ્છતા હી સેવા અભિયાન દેશ વ્યાપી બન્યું છે. સ્વચ્છતા એ માત્ર સરકારી કાર્યક્રમ જ નહીં પરંતુ નાગરિકોના જીવનની રીતમાં પણ પાયાનો સિદ્ધાંત બની ગયો છે. આ અભિયાનથી લોક ભાગીદારીની ભાવના જીવંત થવાની સાથે સ્વચ્છતા માત્ર પ્રવૃત્તિ જ નહીં પરંતુ જીવન શૈલી છે તેવું લોકો સ્વીકારતા થયા છે. આપણી આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ રાખવોએ આપણી જવાબદારી છે. કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, અઠવાડિયામાં એક વખત એક કલાક સુધી આપણે સૌએ મહાશ્રમદાનનું આયોજન કરવું જોઈએ અને તેમાં સહભાગી થઈને જામનગર જિલ્લાને સ્વચ્છ બનાવવાની જવાબદારી ઉઠાવવી જોઈએ.

આ અભિયાનમાં સૌએ ધ્રોલ મામલતદાર કચેરી તેમજ તેની આજુબાજુમાંથી કચરો એકત્રિત કર્યો હતો. આ અભિયાનમાં મંત્રી સાથે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન શિયાર, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર, અગ્રણીઓ તેમજ આજુબાજુના લોકો જોડાયા હતા.

Related posts

Leave a Comment