હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ધનતેરસના પવિત્ર દિવસે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર માર્ગદર્શિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા જિલ્લા પંચાયત કચેરીના પરિસરમાં ધનવંતરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત આયુર્વેદ વિભાગના વૈદ્ય વિજયસિંહ ગોહિલ સહિત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
“આયુર્વેદના જ્ઞાનને પુસ્તકો, ગ્રંથો અને ઘરગથ્થુ ઉપચારોમાંથી બહાર લાવવાની અને આ આધુનિક જરૂરિયાતો અનુસાર પ્રાચીન જ્ઞાનનો વિકાસ કરવાની જરૂર છે” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચનને સાર્થક કરતા શારીરિક સુખાકારીના આરાધ્ય દેવ ધન્વન્તરીની છબિ સમક્ષ યોજાયેલા યજ્ઞ દરમિયાન ભૂદેવશ્રી દ્વારા શાસ્ત્રોક્તવિધિ અને શ્લોકના માધ્યમથી પૌરાણિક શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન અને ભગવાન ધન્વન્તરીની પ્રાગટ્ય કથા, હોમ-હવનમાં આયુર્વેદિક મુદ્રાઓ તેમજ શાસ્ત્રોમાં આયુર્વેદના મહત્વને સવિસ્તાર સમજાવવામાં આવ્યું હતું.
નોંધનીય છેકે, આયુષ મંત્રાલય દ્વારા ૨૦૧૬થી દર વર્ષે ધનવંતરી જયંતિ (ધનતેરસ)ને ‘આયુર્વેદ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩ની ઉજવણી નિમિત્તે યોજાયેલા ધન્વન્તરી યજ્ઞમાં ‘જન સંદેશ, જન ભાગીદારી અને જન આંદોલનના માધ્યમથી જન આરોગ્ય માટે’ સૂત્રને સાર્થક કરતા વિવિધ પોસ્ટર્સના માધ્યમથી યજ્ઞમાં ઉપસ્થિત સર્વેને આયુર્વેદ મતાનુસાર આહાર નિયમ, આયુર્વેદ મતાનુસાર વિરુદ્ધ આહારનું માર્ગદર્શન, બેસીને કરવાના થતા આસનો, આયુર્વેદ મત પ્રમાણે ફળફળાદીના ગુણદોષ, કઠોળ અને શાકભાજીના દોષ, મસાલા અને તેલીબિયાના ગુણદોષનું શારીરિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ.એસ.રૉય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.ડી.અપારનાથી સહિત જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને આયુર્વેદ અને આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.