હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં ઈણાજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના લોકપ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી અને સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને ઝડપી અને સુનિયોજીત ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી.
સંકલન મિટિંગમાં ધારાસભ્ય સર્વે ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને જનપ્રતિનિધિઓ દ્વારા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ઉના, રોગી કલ્યાણ સમિતિની ફાળવેલ ગ્રાન્ટ તથા ખર્ચની વિગતો, વન્યપ્રાણીઓ દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિને સહાય તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જેવા સવાલો રજૂ કરવામાં આવ્યા હતાં. કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓને સમસ્યાનું યોગ્ય અર્થઘટન કરી અને ત્વરિત નિવારણ આવે એવા પ્રયત્નો હાથ ધરવા અંગે સૂચનાઓ આપી હતી.
ઉપરાંત લોકો દ્વારા તથા જનપ્રતિનિધિશ્રીઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું અને નિકાલ કરાયેલી કામગીરીની જાણ કરવા પણ સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી અને બાકી રહેલા પ્રશ્નોનું મોનિટરિંગ કરી ઝડપી નિરાકરણ લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શના ભગલાણી, અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા સહિત વનવિભાગ, આર એન્ડબી, પીજીવીસીએલ, આરોગ્ય, શિક્ષણ, બાગાયત, નગરપાલિકા, ફિશરીઝના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર : સઈદ મહીડા, ગીર સોમનાથ
