જિલ્લા કલેકટર ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદને અનુલક્ષીને બેઠક યોજી  

વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદ-૨૦૨૩

હિન્દ ન્યુઝ, બોટાદ

        જિલ્લા કલેકટર ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ બોટાદ ખાતે તા.૬ ઠ્ઠી ઓક્ટોબરના રોજ એક દિવસીય સેમીનાર તથા દ્વિ-દિવસીય પ્રદર્શન અન્વયે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદને અનુલક્ષીને બેઠક યોજી હતી. 

        જિલ્લા કલેકટર ડૉ.જિન્સી રોયે બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ધંધાવેપારના વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયત્નોરૂપે યોજાતી વાયબ્રન્ટ સમિટ આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાશે જેના ઉપલક્ષ્યમાં જિલ્લાકક્ષાએ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદ તા.૬ ઠ્ઠી ઓક્ટોબરના રોજ એક દિવસીય સેમીનાર તથા ૬,૭ ઓક્ટોબર,૨૦૨૩ દરમિયાન દ્વિ-દિવસીય પ્રદર્શન યોજાશે જેમાં ઉદ્યોગ અને રોજગાર સહિતના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરાશે.

       આ બેઠકમાં નાગરિકોને ઉદ્યોગ તથા રોજગારને લગતી કલ્યાણકારી યોજનાની જાણકારી સરળતાથી મળી રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઔદ્યોગિક સહકારી મંડળી, લીડ બેંક (સરકારી-ખાનગી), જિલ્લા રોજગાર કચેરી, શ્રમ આયુક્તની કચેરી, આઇ.ટી.આઇ કચેરી, આત્મા કચેરી, ખેતીવાડી-બાગાયત વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરાશે. બોટાદ જિલ્લાના નાગરિકોને રોજગાર અને ઉદ્યોગક્ષેત્રે લાભ થાય તેમજ જિલ્લાના મોટા ઉદ્યોગ સાથે B2 B અને B2 C કાર્યક્રમનું સૂચારૂં આયોજન ઘડી કાઢવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડયું હતું.

          બેઠકમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઇ મકવાણાએ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદને અનુલક્ષીને રચનાત્મક સુચનો કર્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પી. પી. તડવીએ સમગ્રતયા બેઠકનું સંચાલન કરવાની સાથે બોટાદ ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદના કાર્યક્રમની રૂપરેખા પુરી પાડી હતી. 

         આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયા, બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા, નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમાર, પ્રાંત અધિકારી દિપક સતાણી સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીઓ, ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખો-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ

Related posts

Leave a Comment