પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ વર્ષ પૂર્ણતાના અવસરે રાજકોટથી ૭૩ જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

     ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજરોજ ૭૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ કેમ્પસ ખાતેથી ૭૩ જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુક્યા હતા. મંત્રી માંડવીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓનું જીવન માનવતા અને સેવા કાર્ય સાથે વણાયેલું હોઈ આપણે પણ તેમાં સહભાગી બની ગરીબ, સામાન્ય પરિવારના લોકોને મદદરૂપ બનીએ. જેના ભાગ રૂપે રેડક્રોસ સોસાયટીના માધ્યમથી આજે ૭૩ જેટલા જન ઔષધિ કેન્દ્રો દેશને સમર્પિત કરાયા છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર અર્થે જરૂરી દવાઓ કિફાયતી દામે મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૧૬ થી પ્રારંભ કરાયેલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોના વિસ્તરણ સાથે દેશમાં ૯ હજારથી વધુ કેન્દ્રો પર રોજના ૨૦ લાખ લોકો આ દવાનો લાભ લઈ આર્થિક બચત કરી રહ્યા હોવાનું જણાવી મંત્રી માંડવીયાએ જણાવી કહ્યું હતું કે, જન ઔષધી કેન્દ્ર એ સારવારની બચતના કેન્દ્રો છે. ભારત દેશમાં આરોગ્ય ક્ષેત્ર એ કોમર્સ નહીં પરંતુ સેવાનું માધ્યમ છે. કોરોના સમયે તબીબી ક્ષેત્રે જોડાયેલા લોકોએ કોરોના સમયે ઘર, પરિવારની ચિંતા કર્યા વગર નિઃસ્વાર્થ ભાવે જે સેવા કરી છે તેને વિશ્વ એ પણ બિરદાવી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંચાલનમાં રાજકોટ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીના દ્વારા રાજ્યમાં ૭૩ જન ઔષધી કેન્દ્ર ખુલ્લા મુકવામાં આવ્યા, જેમાં રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ, પદ્મ કુંવરબા હોસ્પિટલ તેમજ ગોંડલ હોસ્પિટલ ખાતે એક મળીને ત્રણ ઔષધી કેન્દ્રનો શુભારંભ થયો છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્યો સર્વે ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટિલાળા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલ, કલેકટર પ્રભવ જોષી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી, મેડિકલ કોલેજના ડીન ડો. ભારતીબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી ,અગ્રણીઓ સર્વે ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા, ડો. જીતેન્દ્ર અમલાણી, રાજુભાઈ ધ્રુવ, વી.પી. વૈષ્ણવ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય સહીત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Related posts

Leave a Comment