હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સદભાવના ગ્રાઉન્ડ ખાતે ગીર સોમનાથમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. G20 થીમ પર આધારીત આ પતંગોત્સવમાં મોરક્કો, સાઉથ આફ્રિકા, મેક્સિકો, મોરેશિયસ, લિથુઆનિયા, લેબેનોન, પોલેન્ડ સહિત ૧૬ દેશ અને ૭ રાજ્યોના ૫૯ પતંગબાજો પતંગના કરતબો દર્શાવશે. આ ભવ્ય પતંગોત્સવને માણવા માટે વહીવટી તંત્રએ તમામ શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
ગુજરાત પ્રવાસન નિગમ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સદભાવના ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે ૧૧ જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાશે. જેની તૈયારીના ભાગરૂપે કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાએ વિવિધ મુદ્દે શીર્ષ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
સદભાવના ગ્રાઉન્ડમાં યોજાનાર આ પતંગોત્સવનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના હસ્તે થશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ અતિથિ વિશેષ તરીકે ઉના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કોડીનાર ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની પણ ઉપસ્થિતિ રહેશે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ દ્વારા ભવ્ય પતંગોત્સવ માણવા માટે શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.