હિન્દ ન્યુઝ, રાજપીપલા
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજે રોડ સેફ્ટીને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવા ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક મળી હતી. જેમાં સ્ટેટ હાઈવે પર અકસ્માત ન સર્જાય તે માટે ગતિ અવરોધક તેમજ યોગ્ય સાઈન બોર્ડ લગાવવા તેમજ રોડ સેફ્ટીને વધુ અસરકારક બનાવવા અંગે જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ વધુમાં રોડ સેફ્ટી અંગે શાળાના બાળકોને પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે સામાજિક જીવનમાં અસરકરતા પરિબળો અંગે જાગૃતતા લાવવા ચિલ્ડ્રન ટ્રાફિક ટ્રેનિંગ તથા ટ્રાફિક અંગે જાગૃતતા લાવવા માટે આર.ટી.ઓ., પોલીસ અને શિક્ષણ વિભાગને શાળાકક્ષાએ કાર્યક્રમોનું આયોજન કરવા ઉપર ભાગ મૂક્યો હતો. સાથોસાથ જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારણ અંગે યોગ્ય અને આયોજનબદ્ધ રીતે પગલા લેવા સબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, દેડીયાપાડાના પ્રાંત અધિકારી આનંદ ઉકાણી, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી અને કમિટીના સભ્ય સચિવ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના કાર્યપાલક ઇજનેર એસ.એચ.મોદી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઈજનેર એ.એસ.પટેલ, નેશનલ હાઈવેના મદદનીશ ઇજનેર એન.કે.વાછાણી, રાજપીપલા નગરપાલિકા ચીફ ઓફિસર રાહુલ ઢોડીયા, સિવિલ સર્જન ડો.હરેશ કોઠારી, NHAI ના ઈજનેર સહિત સંબધિત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા