હિન્દ ન્યુઝ, બોટાદ
જિલ્લા કલેકટર બી.એ.શાહના આદેશ અનુસાર જિલ્લામાં ખનિજના વહનની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેના ભાગરૂપે બોટાદના સમઢીયાળા નં.૧ ગામે પુર્વ મંજુરી સિવાય ૧૫ થી ૨૦ ટ્રેકટર ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતાં હોવાની બાતમી મળતાં પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણીની ટીમ તેમજ જિલ્લા પોલીસ ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તપાસ કરતાં ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતાં ૩ ટ્રેકટર ઝડપી પાડવામાં આવ્યાં હતા ઉપરાંત ૨ ટ્રેકટર તથા ૧ જે.સી.બી. બિનવારસી મળી આવ્યા હતા. ઘટના સ્થળેથી અંદાજીત રૂા.૨૫ લાખની કિંમતના ૫ ટ્રેકટર તથા રૂા.૨૦ લાખની કિંમતના જે.સી.બી. સહિત કુલ મળીને રૂ. ૪૫ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે અન્ય ટ્રેકટરો વ૨સાદના કારણે ભાગી છુટયા હતાં.
બનાવનાં સ્થળે રૂબરૂ તપાસ કરતાં આ સ્થળે અનઅધિકૃત રીતે માટીનું ખોદકામ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. આશરે સાંજના ૮:૦૦ કલાકે સમઢીયાળા નં.૧ તથા સેથળી ગામની વચ્ચે ૬૬.કે.વી., તળાવની બાજુમાંથી ૧૫ થી ૨૦ વ્યક્તિઓ ધ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી સિવાય માટીનું ખોદકામ કરી રોયાલ્ટીની ચોરી કરતાં હોવાની બાતમી મળી હતી. જેનાં અનુસંધાને ઉકત વાહનો બનાવના સ્થળેથી ઝડપી લઈ ૫ ટ્રેકટર તથા ૧ જે.સી.બી ખાણ ખનીજ, બોટાદને સોંપવામાં આવ્યા છે. આ વાહનો પૈકી ત્રણ ટ્રેકટર બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. જયારે જે.સી.બી મશીન તથા અન્ય બે ટ્રેકટર બનાવના સ્થળે રાખવામાં આવ્યા છે. આ વાહનોને અને મુદ્દામાલને સીઝ કરીને કસૂરવારો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
પોલીસ વિભાગ સાથેની સંયુક્ત કાર્યવાહીના પગલે જિલ્લામાં ખનિજની ચોરી અટકાવવાની અસરકારક કામગીરી શક્ય બની છે.