હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લાના નાગનેશ ધામ ખાતે ચાલી રહેલ પ્રાણપ્રતિષ્ઠા, રામયજ્ઞ તેમજ માતૃશકિત વંદના મહોત્સવના પાંચમા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, નાગનેશ એ મારું જન્મ સ્થળ છે. આજના માતૃશકિત વંદના મહોત્સવ નિમિત્તે જગતમાં સૌથી મોટી વંદના હોઈ તો તે માતૃવંદના છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, જન્મ દેનારી માં એ પ્રગટ દેવ છે. મહિલાઓ રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક ક્ષેત્રે ખૂબ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી આજે નામના મેળવી રહી છે. બહેનોને જે કામગીરી સોંપવામા આવેલ હોય છે તે જવાબદારી પૂર્વક, ગંભીરતા પૂર્વક, મહેનત તેમજ સેવા થકી પોતાના જીવનને સમર્પિત કરી શકે તો તેવો દાખલો એક ભારતની નારીમાં જ જોવા મળે છે. કોઈપણ ક્ષેત્રમાં આજે મહિલા સેવા કરી રહી છે. ઘર સંભાળે, પરિવાર સંભાળે, કારોબાર, સામાજિક જવાબદારી પૂર્વક બધી કામગીરી સહજ ભાવે કરી રહી છે. સૌથી મોટામાં મોટી જવાબદારી ભારતીય સંસ્કૃતિમાં બહેનોને ફાળે આવે છે, સમર્પણ અને નિસ્વાર્થ ભાવે સેવા બહેનો આજે કરી રહી છે તે મૂલ્ય કયારેય આંકી ન શકાય. વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાઓમાં વિનય-વિવેક, સહનશકિત, પ્રામાણિકતા તેમજ બુધ્ધિમતા શ્રેષ્ઠ હોય છે. વિનય-વિવેક, પ્રેમ-લાગણી, ઈમાનદારી-મહેનત અને સેવા એ સ્ત્રીના આભૂષણો છે.
આ પ્રસંગે અધ્યક્ષએ જન્મસ્થળ મકાનની મુલાકાત લીધી હતી તથા પોતાના બાળપણની વાતોને તાજી કરી સાધુ-સંતોના આર્શિવચન મેળવ્યા હતા.
આ પ્રસંગે શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદ ધામ ખાતેથી પ.પૂ.શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી નિર્મળાબા, નેકનામદાર દરબાર સત્યજીતસિંહ ખાચર, જસદણ રાણી અલૌકીકારાજે ખાચર, નેક્નામદાર ઠાકોર જયદિપસિંહજી ઝાલા, દરબાર છત્રજીતભાઈ ખાચર, ભરતસિંહજી વાળા, કાજલબેન હિન્દુસ્થાની, જુનાગઢ શ્રી ગોરક્ષનાથ આશ્રમ પૂ.મહંતશ્રી શેરનાથ બાપુ સહિતના સંતો – મહંતો, અગ્રણીઓ તથા શ્રધ્ધાળુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
