ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા અંગેની વિડિયો કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સમગ્ર રાજ્ય સાથે ભાવનગર ખાતે પણ યોજનાર છે. આ પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપવાં માટે રાજ્યસ્તરીય વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.

આ પરીક્ષામાં સુચારુ આયોજન અંગેની વિડિયો કોન્ફરન્સ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં પરીક્ષા સંચાલન તથા તેની સાથે સંકળાયેલ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરીને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ભાવનગરમાં ૬૦,૬૯૮ ઉમેદવારો આ પરીક્ષા આપશે. ૧૯૭ બિલ્ડિંગ અને ૨,૦૯૪ બ્લોકમાં આ પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ છે અને પરીક્ષા યોજવાં માટે તંત્ર સજ્જ છે.

કલેક્ટર યોગેશ નિરગુડેએ આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર એક જ એન્ટ્રી ગેટ રાખવાં પર ભાર મૂકી દરેક કેન્દ્રો પર પોલીસની વ્યવસ્થા ગોઠવાય તેમજ દરેક કેન્દ્ર પર સી.સી.ટી.વી. ની વ્યવસ્થા ચકાસવાં માટે અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત કલેક્ટરએ પરીક્ષા કેન્દ્ર પર પરવાનગી સિવાયની કોઇપણ વ્યક્તિ પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ સાથે પ્રવેશ કરે નહીં. પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ કે કોપીયર કેન્દ્રો ચાલું ન રહે તે માટે જાહેરનામું બહાર પાડવાં માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં.

આ ઉપરાંત પરીક્ષા માટે આવતાં વિદ્યાર્થીઓ મોબાઇલ કે કોઇ ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇને પરીક્ષા કેન્દ્રમાં ન જાય તે માટેની કાળજી લેવાં માટે પણ અધિકારીઓને સૂચના આપી હતી.

કલેક્ટરએ પરીક્ષા કેન્દ્ર પર ગરમીની સીઝનને ધ્યાનમાં લઇને આકસ્મિક સ્થિતિને પહોંચી વળવાં આરોગ્ય સ્ટાફને પણ ગોઠવવાં તેમજ પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવાં માટે જિલ્લાના ગેઝેટેડ અધિકારીઓની નિમણૂંકના પણ નિર્દેશ આપ્યાં હતાં.

તેમણે આ અગાઉ વનરક્ષક અને ગઇકાલે લોક રક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઇ હતી તે રીતે આ પરીક્ષા પણ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટેનું માર્ગદર્શન આ બેઠકમાં આપ્યું હતું.

પરીક્ષા કોવિડ પ્રોટોકોલ મુજબ યોજાશે. આથી, પરીક્ષાર્થીઓએ માસ્ક સાથે આવવું જરૂરી છે. દરેક પરીક્ષાર્થી અને પરીક્ષા સાથે સંકળાયેલ સ્ટાફને હાથ પર સેનેટાઇઝ્ડ સ્પ્રે લગાડીને જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થી પોતાની સાથે અન્ય કોઇ સગા-સંબંધીને લાવી શકશે નહીં. વિદ્યાર્થી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પાણીની બોટલ સાથે રાખે તે હિતાવહ છે વગેરે માર્ગદર્શિકાનું પાલન કરવાં માટે પણ કલેક્ટરએ અપીલ કરી છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.જે. પટેલ, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એન.જી. વ્યાસ, પ્રાથમિક શિક્ષણાધિકારી મૈયાણી તથા પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment