હિન્દ ન્યુઝ, ભુજ
ભુજ તાલુકાના રેલડી ગામે આવેલ આશાપુરા પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મની માન.રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે આશાપુરા ફાર્મ ખાતે ૫૦ ગાયોનો સમાવેશ થઇ શકે તેવી અત્યાધુનિક ગૌશાળાનું ખાતમૂહુર્ત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ માન.રાજયપાલએ જીવામૃત બનાવવા માટેનો પ્લાન્ટ તેમજ વિવિધ અર્કો જેવા કે કેલ્શિયમ, પોટાશના પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ માન.રાજયપાલએ આશાપુરા ફાર્મમાં સ્ટ્રોબેરી, ખારેક, ડ્રેગન ફૂટ (કમલમ ફૂટ) ના વાવેતરની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફાર્મ ખાતે આશરે ૨૫ હજાર લીટર જીવામૃત એક સાથે બને છે.

આ તમામ પ્લાન્ટ ચલાવવા માટે માત્ર એક વ્યકિતની જરૂર રહે છે. આ તમામ પ્લાન્ટ ઓટોમેટિક ફિલ્ટર સાથે કામ કરે છે. માન.રાજયપાલની મુલાકાત સમયે હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરીયાણા તેમજ ઉત્તરપ્રદેશની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના સાત જેટલા વૈજ્ઞાનિકોએ ઉપસ્થિત રહીને નિરીક્ષણ કર્યુ હતું. આ મુલાકાત દરમ્યાન અબડાસા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત આશાપુરા ફાર્મના હરેશભાઇ, જીજ્ઞેશભાઇ, વિરલ ઠકકર, અંતાણીભાઇ, દામજીભાઇ વગેરે ઉપસ્થિત રહયા હતા. આ મુલાકાત બાદ માન.રાજયપાલ આચાર્ય દેવવ્રતે કુકમા ખાતે રામકૃષ્ણ ટ્રસ્ટ સંચાલિત ચિંતન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી.

આ તકે માન.રાજયપાલએ જણાવ્યું હતું અહીં આવીને ભારતીય જીવન મુલ્યો આધારિત સંસ્કૃતિના દર્શન થાય છે. તેમણે જણાવ્યું હતું કે આધુનિક જીવન શૈલીમાં આપણે આપણી બહુમુલી સંસ્કૃતિને ભૂલ્યા છીએ. કચ્છ ક્ષેત્ર ભારતીય સંસ્કૃતિથી પરિપૂર્ણ છે. અહીં આદર્શ ગ્રામ સંસ્કૃતિ જોવા મળે છે. માન.રાજયપાલએ ચિંતન પ્રાકૃતિક ફાર્મમાં આવેલ આદર્શ ગૌશાળા, ઝેરમુકત પ્રાકૃતિક ખેતી, વૈદિક પ્લાસ્ટર, ગોબર આધારિત કલાકૃતિઓ તેમજ સ્વદેશી મોલ નિહાળ્યા હતા. આ તકે માન.રાજયપાલ સાથે વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય સહભાગી થયા હતા.
આ તકે એપીએમસી ભુજના ચેરમેન કેશુભાઇ પટેલ, અગ્રણી સર્વ શિવજીભાઇ બરાડીયા, મહેશભઇ ઓઝા તેમજ હરેશભાઇ ઠકકર, રતિલાલભાઇ તેમજ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સ્વાગત અને આભારવિધિ રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજીંગ ડિરેકટર મનોજભાઇ સોલંકીએ કરી હતી.


