હિન્દ ન્યૂઝ, દીવ
તા.14/1/2021
પ્રાપ્ત માહિતી અનુસાર એક ક્રિએટા કાર માં રાજકોટ થી બે પરિવારો દીવ ફરવા આવેલ હોય અને સાંજે સાતેક વાગ્યા આસપાસ ઘોઘલા બીચ ઉપર જઈ રહેલ હતા. તે દરમિયાન ઘોઘલા પાણીના ટાંકા પાસે પહોંચતા સાઇકલ સાથે ધડાકાભેર ટકરાતા સાઈકલ ઉપર સવાર સુરેશ પાચા ચુંદડીયા, ઉંમર વર્ષ 53 ઘોઘલા નો રહેવાસી અને માછીમારીનો ધંધો કરતો વ્યક્તિ હવામાં ઉછળી ને ગાડીના આગળના ભાગે કાચ ઉપર પછડાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થતા અને ખાસ કરીને માથાના ભાગે ગંભીર ઈજા થયેલી હતી. ઘટનાની જાણ થતાં દીવ એસ.પી. અનુજ કુમાર, પી.આઇ. પંકજ ટંડેલ તેમજ તેની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશ પાચા ને દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામનાર સુરેશ પાંચા ચુંદડીયા ની પુત્રી શીતલ પાચા એ આપેલી ફરિયાદના આધારે 279/304એ આઇપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કાર ચાલક રાજકોટના અલ્વેશ નિલેશ રામાણી, ઉંમર 26 વર્ષની ધરપકડ કરી તેની કાર ને કબજે કરી તેને મેડિકલ મેમો પણ આપવામાં આવ્યો છે. તેમજ આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ : ભાવના શાહ, દીવ