છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ.

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,

 કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોના અમલીકરણ થકી સૌનો વિકાસ થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળકો માટે પણ સરકાર એટલી જ ચિંતિત છે. આમ, સરકાર સૌની ચિંતા કરે છે એમ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન  રાઠવાએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ અને મહાત્મા ગાંધી ૧૫૧મી, જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર ખાતે દરબાર હોલમાં આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોના ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન, નંદઘર ઇન્ફર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશનના ઇ-લોન્ચિંગ જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છાની બાબતમાં રેકોર્ડ બ્રેક કામગીરી કરી છે. એમ જણાવી તેમણે પ્રજાની ચિંતા કરતી આ સરકાર ખેડૂતોના હિતમાં કૃષિ બિલ લાવી છે. જેના થકી ખેડૂતોને ખૂબ સારો લાભ મળશે એમ ઉમેરી તેમણે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતી આંગણવાડીની બહેનો સાચા અર્થમાં માતા યશોદાના બિરૂદને સાર્થક કરી રહી છે એમ જણાવ્યું હતું.
સંખેડાના ધારાસભ્ય અભેસિંગભાઇ તડવીએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે વાત કરી તેમણે તેમણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વિકાસ માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે એમ જણાવી સરકાર દ્વારા બાળકોના ઉજજવળ ભાવિ માટે ખૂબ ચિંતા કરવામાં આવી રહી છે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધોવાની ક્રિયાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લામાં નવી બનાવવામાં આવનારી ૨૦૬ આંગણવાડીઓનું ઇ-ભુમિપૂજન અને બનીને તૈયાર ૨૧ આંગણવાડીઓનું ઇ-લોકાર્પણ કર્યું હતું. સાંસદ અને અન્ય મહાનુભાવોએ હેન્ડ વોશમાં સહભાગી બહેનોને પ્રમાણપત્ર અને સેનિટાઇઝેશન કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તાડકાછલા આંગણવાડી કેન્દ્રના આંગણવાડી વર્કર બારીયા મીનાબેન સોમાભાઇને જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ રૂપિયા ૩૧,૦૦૦/- ટ્રોફી અને પ્રમાણપત્ર તથા તાડકાછલા આંગણવાડી કેન્દ્રના તેડાગર રાઠવા ઇલાબેન જયંતિભાઇને રૂા. ૨૧,૦૦૦/-, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આયોજીત રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત જનમેદની અને મહાનુભાવોએ નિહાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પોષણ આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત પોષણ શપથ પણ લેવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલે કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો. કાર્યકરમની આભારવિધિ સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજજરે આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, માજી ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન મુકેશભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. ગાવિત, પ્રાંત અધિકારી કલ્પેશભાઇ ઉનડકટ, નાયબ બાગાયત નિયામક કૃણાલભાઇ પટેલ, સંકલિત બાળ વિકાસ યોજના વિભાગના અન્ય અધિકારી/કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment