હિન્દ ન્યુઝ, સુરત
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા નાગરિકોમાં કાનૂની જાગૃતિ ફેલાવવા અને મફત કાનૂની સહાય યોજનાનો પ્રચાર-પ્રસાર કરવા માટે ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વદેશી મેળા અને ફૂડ ફેસ્ટિવલમાં સ્ટોલ નંબર-૧૪ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે તા.૧૫ ઓક્ટોબરના રોજ પેરા લીગલ વોલન્ટિયર (PLV) તથા સામાજિક અગ્રણી દીપક જયસ્વાલ અને પેનલ એડવોકેટ ભરત પંડિત દ્વારા અનોખી રીતે કાનૂની જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગરબાની રમઝટ સાથે સમગ્ર ગરબા ગ્રાઉન્ડમાં તેમજ કાનૂની જાગૃતિના સ્ટોલ પર ઉપસ્થિત નાગરિકોને વિવિધ કાનૂની યોજનાઓ અને તેમના અધિકારો અંગે સરળ અને સાદી ભાષામાં માહિતી આપવામાં આવી હતી.
આ દરમિયાન વરિષ્ઠ નાગરિકો માટેની યોજનાઓ, નાલસા હેલ્પલાઇન નંબર ૧૫૧૦૦, દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજના, મધ્યસ્થતા, લોક અદાલત, નશા મુક્ત ભારત અભિયાન તેમજ ‘ઉજાસ – એક આશાનું કિરણ’ જેવી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાનૂની સહાયની જરૂરિયાત ધરાવતા નાગરિકો સુધી યોજનાઓની માહિતી સરળતાથી પહોંચે અને તેઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ અભિયાનને નાગરિકો, વડીલો અને યુવાનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. અનેક લોકોએ ઉત્સાહપૂર્વક સ્ટોલની મુલાકાત લઈને વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. નાગરિકો જરૂરિયાતના સમયે યોજનાઓનો લાભ લઈ શકે અને માર્ગદર્શન મેળવી શકે તે હેતુથી વિવિધ યોજનાઓની વિગતો ધરાવતાં પેમ્ફલેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં.
