શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો જૂનાગઢમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ શુભારંભ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

    શ્રમિકો અને તેમના પરિવારજનોને માત્ર રૂ. ૫ના ટોકન દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો જૂનાગઢમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ શુભારંભ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ શહેરના કાળવા ચોક ખાતે બોમ્બે હોટલ પાસે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શરૂ થયેલા આ કેન્દ્ર પરથી બાંધકામ શ્રમિકોને સવારે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન ગરમાગરમ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ નવા કેન્દ્રો પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭માં શરૂ થયેલી આ યોજના અંતર્ગત અગાઉ રાજ્યના આશરે ૨૦ જિલ્લાઓમાં ૨૯૩ જેટલા કેન્દ્રો કાર્યરત હતા, જેમાં આજે વધુ ૧૦૧ નવા કેન્દ્રોનો ઉમેરો થયો છે.

ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, શ્રમિકો કેન્દ્ર પર બેસીને ભોજન લઈ શકશે અથવા પોતાના પરિવારજનો માટે ભોજન ઘરે પણ લઈ જઈ શકશે. આ ભોજનમાં રોટલી, શાક, કઠોળ, મરચાં, ભાત, ગોળ સાથેનું પૌષ્ટિક ભોજન મળી રહેશે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાંધકામ શ્રમિકોના આરોગ્યની પણ કાળજી લેવામાં આવે છે. આ માટે જિલ્લામાં ૭ ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત છે, જે વિવિધ વિસ્તારોમાં સાઇટ પર જઈને શ્રમિકોના આરોગ્યની તપાસ અને જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત શ્રમિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા બાંધકામ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ બનાવવાનું રહે છે. જૂનાગઢ ખાતે હાલ કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે આગામી ૧૫ દિવસ સુધી આધાર કાર્ડના આધારે પણ ભોજન આપવામાં આવશે. સાથે જ અહીં ઈ-નિર્માણ કાર્ડ બનાવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ તકે બાંધકામ શ્રમિકો માટે આરોગ્ય તપાસની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત, ઈ-નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા નિરીક્ષક એમ.ડી. કક્કડ, પ્રોજેક્ટ મેનેજર પી.એમ. ગોહિલ, આરોગ્ય રથ પ્રોજેક્ટ મેનેજર એસ.આર. રાવલ સહિતના મહાનુભાવો તથા બાંધકામ શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment