આઈ.ટી.આઈ. જામનગર ખાતે પ્રશિક્ષકો માટે પાંચ દિવસીય ‘પેડાગોજી તાલીમ કાર્યક્રમ’ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર 

   જામનગર સ્થિત સરકારી આઈટીઆઈ ખાતે Dual VET ટીમ અને સરકારી આઈટીઆઈ જામનગરના સહયોગથી આયોજિત પાંચ દિવસીય પેડાગોજી તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ તાલીમના માધ્યમથી આઈટીઆઈના પ્રશિક્ષકોની શિક્ષણ પદ્ધતિને વધુ અસરકારક, વ્યવહારુ અને ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો પ્રેરક પ્રયાસ કરાયો હતો. આ તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર શ્રી યોગેશ આવ્હાડ દ્વારા પ્રશિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ અને વર્ગખંડના અસરકારક સંચાલન અંગે ગહન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, જિજ્ઞાસા આધારિત શિક્ષણ, બ્લૂમ્સ ટેક્સોનોમી, લર્નિંગ આઉટકમ, અસરકારક પ્રતિસાદ અને તાલીમાર્થીઓની સક્રિય ભાગીદારી જેવા અત્યંત મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ વ્યવહારુ પ્રવૃત્તિઓ, જૂથચર્ચા, પ્રસ્તુતિઓ અને આત્મમૂલ્યાંકન દ્વારા પ્રશિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિઓનો સાચો અનુભવ અપાયો હતો.

તાલીમ દરમિયાન તાલીમાર્થીઓના વર્તનને યોગ્ય રીતે સમજવું, પ્રશ્નો પૂછવા, સકારાત્મક વર્ગખંડ વાતાવરણ ઊભું કરવું, પ્રોત્સાહક પ્રતિસાદ આપવો તથા ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જેવા અગત્યના પાસાઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તાલીમના માધ્યમથી પ્રશિક્ષકોને પરંપરાગત શિક્ષક કેન્દ્રિત પદ્ધતિમાંથી આગળ વધીને તાલીમાર્થી કેન્દ્રિત, પ્રવૃત્તિ આધારિત અને પરિણામલક્ષી શિક્ષણ પદ્ધતિ અપનાવવા માટે વિશેષ પ્રેરણા મળી હતી, જેનાથી આઈટીઆઈના તાલીમાર્થીઓમાં ટેકનિકલ જ્ઞાન, વ્યવહારુ કૌશલ્ય, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને રોજગારલક્ષી કૌશલ્યોનો ઉત્કૃષ્ટ વિકાસ થશે. 

Dual VET પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર આનંદ જોશી દ્વારા આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ વ્યાવસાયિક શિક્ષણની ગુણવત્તા સુધારવા અને તાલીમાર્થીઓને ઉદ્યોગજગત માટે સક્ષમ બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે, જેના બદલ Dual VET ટીમ અને સરકારી આઈટીઆઈ જામનગર દ્વારા તમામ સહભાગી પ્રશિક્ષકોના ઉત્સાહપૂર્ણ યોગદાનની સરાહના કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment