હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર ખાતે મેડિકલના વિદ્યાર્થીઓમાં માદક પદાર્થોના દૂષણ અંગે જાગૃતિ લાવવા તથા તેના સેવનને અટકાવવાના ઉદ્દેશથી પોલીસ વિભાગના વિશેષ સહયોગથી ‘ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વસ્થ અને નશામુક્ત સમાજના નિર્માણ માટે યુવા પેઢીને માદક પદાર્થોની કુટેવથી દૂર રાખવાના મુખ્ય હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન તબીબી વિદ્યાર્થીઓને માદક પદાર્થોના સેવનથી શારીરિક, માનસિક અને સામાજિક સ્તરે થતા ગંભીર નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડ્રગ્સના દૂષણને નાથવા માટેના વિવિધ ઉપાયો તેમજ માદક પદાર્થો સંબંધિત વિવિધ કાયદાકીય જોગવાઈઓ, કલમો અને સજાના નિયમો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અગત્યના જાગૃતિ કાર્યક્રમમાં શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના ડીનશ્રી નંદીની દેસાઈ, ગુરુ ગોબિંદ સિંગ હોસ્પિટલના તબીબી અધિક્ષક વિજય પોપટ, નાયબ પોલીસ અધીક્ષક જયવિરસિંહ ઝાલા, એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેક્ટર, એ.ટી.એફ. ના પ્રતિનિધિઓ તથા પોલીસ સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ શ્રી હેમિતભાઈ ભદ્રા, મહારાજ નશાબંધી સંસ્કાર કેન્દ્ર જામનગરના પ્રમુખ હરીશભાઈ ખીમસુરીયા, શ્રી રત્નાગર બ્રહ્માકુમારી સંસ્થા-જામનગર તેમજ શ્રી બ્રહ્માકુમારી સંસ્થા-કાલાવડના પ્રતિનિધિઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓને માદક પદાર્થોથી દૂર રહી સન્માર્ગે જીવન જીવવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
