હિન્દ ન્યુઝ,દાહોદ
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંચાલિત સિનિયર સિટીઝન રમત સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ૬૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો માટે એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ અને રસ્સાખેંચ જેવી વિવિધ રમતો યોજાશે. સિનિયર સિટીઝનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તેઓ શારીરિક અને માનસિક રીતે સક્રિય રહે તેમજ રમતગમત વિભાગની પ્રવૃત્તિઓ સાથે જોડાય તેવા ઉમદા હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા દાહોદ જિલ્લાના સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનોએ નિયત નમૂનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત-ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દેવગઢ બારિયા, જિલ્લા દાહોદ ખાતેથી મેળવી, તેમાં સંપૂર્ણ વિગતો ભરીને તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં જમા કરાવવાનું રહેશે.
પ્રવેશપત્ર સાથે ડૉક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ તથા આધારકાર્ડની નકલ જોડવાની રહેશે. નિયત સમયમર્યાદામાં પ્રાપ્ત થયેલ પ્રવેશપત્રોના આધારે સ્પર્ધકોને સ્પર્ધાના વિગતવાર કાર્યક્રમ અંગે જાણ કરવામાં આવશે.
આથી, દાહોદ જિલ્લાના ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા તમામ ઇચ્છુક સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનોને આ રમત સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જિલ્લા રમતગમત અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સ્પર્ધા અંગે વધુ માહિતી મેળવવા માટે મોબાઇલ નંબર ૮૧૪૧૭૪૮૫૧૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
