હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદમાં આપત્તિ સમયે જાનમાલનું નુકસાન અટકાવવા અને વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવવાના હેતુથી આજરોજ ખરોડ પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સલામતી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ અધિકારીશ્રી જયેશકુમાર જી. ગાડીલુહાર, જિલ્લા કક્ષાના નાયબ મામલતદાર પી. કે. કપાસિયા (પૂર) તથા દાહોદના નાયબ મામલતદાર ચેતનભાઈ ભાભોર (પૂર) ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને આપત્તિના સમયે રાખવાની સાવચેતી, સલામતીના જરૂરી પગલાં, કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવાની રીતો તેમજ આપત્તિ સમયે બચાવ અને સુરક્ષાને લગતી જરૂરી જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ખરોડ પ્રાથમિક શાળાના કુલ ૧૨૫ વિદ્યાર્થીઓ અને ૧૪ સ્ટાફ સભ્યો મળી કુલ ૧૩૯ લોકોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સલામતી તાલીમ મેળવી હતી. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફને આપત્તિ સામે સજ્જ બનાવવા તથા કટોકટીના સમયે સતર્કતા, સમજદારી અને સાવચેતીપૂર્વક કાર્ય કરવા માટે પ્રેરિત કરવાનો હતો.
