હિન્દ ન્યુઝ, ડાંગ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ સેવાકીય વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા દ્વારા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સરકારી આયુર્વેદ દવાખાના બરડીપાડા ખાતે એકદિવસીય આયુર્વેદ તથા પંચકર્મ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી દેશી ચિકિત્સા પદ્ધતિ અને આયુષ સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશથી આરોગ્ય વિભાગ અને આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો.
કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં સુબીર તાલુકા પંચાયત સદસ્ય શ્રી અનિલભાઈ ગામીત, માજી કારોબારી અધ્યક્ષા શ્રીમતી ઉર્મિલાબેન ગામીત, બરડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વિજયભાઈ ગામીત, સાજુપાડા સરપંચ શ્રીમતી જયાબેન ગામીત, ઉપસરપંચ શ્રીમતી અમિષાબેન ગાયકવાડ, સામાજિક કાર્યકર ચંદરભાઈ ગીરજલી, પ્રાથમિક શાળાના આચાર્ય સોનુભાઈ ગાવીત, ભગત મંડળીના ઉપપ્રમુખ રામજભાઈ ગાવીત સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઈન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય દિગ્વેશભાઈ ભોયે તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને રોજીંદા જીવનમાં સ્વસ્થ રહેવા આયુર્વેદ અને પંચકર્મ જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ કેમ્પમાં પાચનતંત્ર, ચામડી, સાંધા-કમરના દુખાવા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સ્ત્રી-બાળ રોગો તેમજ વૃદ્ધાવસ્થાજન્ય વ્યાધિઓનું તજજ્ઞો દ્વારા નિદાન કરી વિનામૂલ્યે આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન ૨૧૦ દર્દીઓએ આયુર્વેદ નિદાન અને ૭૮ દર્દીઓએ પંચકર્મ ચિકિત્સા સહિત કુલ ૩૮૮ ગ્રામજનોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં મેડિકલ ઓફિસર વૈદ્ય દિગ્વેશભાઈ ભોયે, વૈદ્ય ત્રિગુણાબેન વાડુ, વૈદ્ય હેતલબેન ગામિત તેમજ પી.જી. તજજ્ઞ વૈદ્ય ભાગ્યશ્રીબેન વળવી સહિતના તબીબી સ્ટાફે સેવાઓ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો.
