હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત તથા પ્રોગ્રામ ઓફિસર, આઈસીડીએસ, વલસાડના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં યોજાયેલા ‘રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬’નો ભવ્ય પૂર્ણાહુતિ સમારોહ પારડી તાલુકાના પરિયા ગામે ગ્રામ પંચાયત હોલમાં ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ તથા ૦થી ૬ વર્ષનાં બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવો, કુપોષણ નિવારણ અંગે જનજાગૃતિ ફેલાવવી અને પોષણને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્ના પટેલે જણાવ્યું કે, સ્વસ્થ બાળ અને સ્વસ્થ નારી એ જ સમૃદ્ધ રાષ્ટ્રની ઓળખ છે. રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન જિલ્લાભરમાં યોજાયેલી વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓના માધ્યમથી છેવાડાના માનવી સુધી પોષણનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માતા અને બાળકના સ્વાસ્થ્યની યોગ્ય કાળજી, પોષણયુક્ત આહાર અને સમયસર આરોગ્ય સેવાઓ દ્વારા કુપોષણ ઘટાડવામાં આ અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
કાર્યક્રમના પ્રારંભે આંગણવાડી કાર્યકરો, આઈસીડીએસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી રેલી યોજવામાં આવી હતી. રેલી દ્વારા પોષણયુક્ત આહાર, માતા-બાળ આરોગ્ય અને કુપોષણ નિવારણનો સંદેશ જનસમુદાય સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કો-ઓર્ડિનેટર દર્શાલી પટેલ દ્વારા ‘રાષ્ટ્રીય પોષણ માસ’ અને ‘પોષણ સંગમ’ વિષય પર વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવા, વિવિધ વિભાગો અને સમુદાયના સહયોગથી પોષણલક્ષી પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા તથા સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને બાળકો સુધી પોષણ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ પહોંચાડવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી પારડી-૧ પ્રવિણા ચૌહાણ અને બાળ વિકાસ યોજના અધિકારી પારડી-૨ રીટા પટેલ તથા મુખ્ય સેવિકા બહેનો, આઈસીડીએસ ઘટક કચેરીના કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમના અંતે કુપોષણમુક્ત ગુજરાતના નિર્માણ માટે સૌએ સહિયારા પ્રયાસો કરવાનો સંકલ્પ લીધો હતો. પોષણ અંગેની જાગૃતિ દરેક ગામ, દરેક પરિવાર અને દરેક લાભાર્થી સુધી પહોંચે તથા બાળકો અને મહિલાઓને પોષણ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
