સુરત કલેક્ટર કચેરી ખાતે માહિતી અધિકાર સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત RTI માર્ગદર્શન પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત

    માહિતી અધિકાર (RTI) સપ્તાહ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા સેવા સદન ખાતે રાજ્ય માહિતી કમિશનરશ્રી મનોજ પટેલના અધ્યક્ષ સ્થાને ‘સંવાદ-માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ” વિષય પર પરિસંવાદ યોજાયો હતો. સુરત તેમજ તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાના કલેક્ટરો અને વહીવટી તંત્રના જાહેર માહિતી અધિકારીઓ, પ્રથમ અપીલ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. 

            પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતી અધિકાર અધિનિયમની વિવિધ જોગવાઈઓ, RTI અરજીઓનો સમયસર નિકાલ, જાહેર માહિતી અધિકારી (PIO)ની જવાબદારીઓ, માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા તથા પ્રથમ અપીલ સંબંધિત કાર્યવાહી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

            આ ઉપરાંત, જાહેર કરી શકાય તેવી અને મુક્તિ પ્રાપ્ત માહિતી, અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ, સંબંધિત રેકોર્ડની જાળવણી તથા પારદર્શક વહીવટ અંગે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

           રાજ્ય માહિતી કમિશનર શ્રી મનોજ પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૫માં અમલમાં આવેલા RTI કાયદાને ૨૧ વર્ષ પૂર્ણ થયા છે. આ કાયદાનો સંપૂર્ણ સાર અને ઉદ્દેશ્ય તેના આમુખના ચાર પેરેગ્રાફમાં સ્પષ્ટપણે સમાવિષ્ટ છે. તેમણે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝરની આવશ્યકતા સમજાવી પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે નાગરિક હિત સર્વોપરી હોવાનું જણાવીને કોઈ પણ અરજદારને આરટીઆઈ કાયદા હેઠળ સાચી માહિતી મળે તે માટે માર્ગદર્શક બનવા જણાવ્યું હતું.  

            સામાન્ય રીતે RTI સપ્તાહની ઉજવણી રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે થતી હોય છે, પરંતુ તમામ સ્ટેકહોલ્ડર્સ સુધી પહોંચાડવાના હેતુથી આ વર્ષે એક નવો અભિગમ અપનાવી ૩ થી ૪ જિલ્લાઓનું ક્લસ્ટર બનાવી વિડીયો કનેક્ટિવિટીના માધ્યમથી પ્રથમવાર જિલ્લા કક્ષાએ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન અને સહયોગ બદલ રાજ્ય માહિતી કમિશનરે સુરત કલેક્ટર અને તેમની વહીવટી તંત્રની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

            વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ કાયદો વહીવટી તંત્ર, સરકારને નાગરિકો પ્રત્યે જવાબદેહ બનાવે છે. આર.ટી.આઈકર્તાને માત્ર નકારાત્મક દ્રષ્ટિકોણથી ન જોવા જોઈએ, કારણ કે તેઓ આ કાયદાને સક્રિય રાખવાનું મહત્ત્વપૂર્ણ કામ કરે છે. જોકે, આ કાયદાનો જાહેર હિતને બદલે અંગત હેતુ અને સ્વાર્થ સિદ્ધ કરવા માટે દુરુપયોગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે.

             જાગૃત અને માહિતગાર નાગરિકો જ લોકશાહીનું સંચાલન અસરકારક રીતે કરી શકે છે, શાસન પ્રક્રિયાને ધબકતી રાખે છે. માહિતી અધિકાર કાયદો જાહેર વહીવટને પારદર્શક અને લોકશાહીને જીવંત રાખતું સશક્ત માધ્યમ છે એમ તેમણે વધુમાં કહ્યું હતું.

            સુરત જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારે રાજ્ય માહિતી કમિશનરશ્રીને આવકારી પરિસંવાદનો આશય સ્પષ્ટ કર્યો હતો. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, RTI કાયદાની ભાવના, તેની જોગવાઈઓ અને અમલીકરણને ઊંડાણપૂર્વક સમજવા માટે આ વર્કશોપ ઉપયોગી થશે. તેમણે કલમ ૪ હેઠળ ‘ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર’ પર વિશેષ ભાર મુકતા જણાવ્યું હતું કે, જો સરકારી કચેરીઓ દ્વારા મહત્તમ માહિતી આપમેળે જ જાહેર કરી દેવામાં આવે તો RTI અરજીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય છે. 

           કલેક્ટરએ અધિકારીઓને અપીલ કરી હતી કે અરજદાર કયા હેતુથી માહિતી માંગી રહ્યો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, કાયદાની મર્યાદામાં રહીને સાચી, યથાર્થ અને સમયસર માહિતી આપવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. જેથી બંધારણના આમુખમાં પારદર્શિતા અને જવાબદેહિતાને હેતુ સાકાર થાય.

           પ્રશ્નોત્તરી સેશનમાં અધિકારીઓએ અરજીઓના નિકાલમાં અધિકારીઓને પડતી મુશ્કેલીઓ અને મૂંઝવણો અંગે મુક્તપણે ચર્ચા કરી પ્રશ્નો પૂછ્યા હતા, જેનું નિરાકરણ સહ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

            કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, અમલીકરણ અધિકારીઓ અને સંબંધિત અધિકારી- કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment