ડાંગ જિલ્લામાં ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત શાળા-કોલેજોમાં ઉત્સાહભેર ‘સંસ્કૃત સંભાષણ દિન’ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ 

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લામાં તા. ૨૫ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ દરમિયાન ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. 

જે અંતર્ગત તા. ૨૭ ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા મહાવિદ્યાલયોમાં ‘સંસ્કૃત સંભાષણ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી.  

આ ઉજવણીના ભાગરૂપે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા કક્ષાએ સવારની પ્રાર્થના સભામાં સંસ્કૃત શ્લોક ગાન, સુભાષિતો અને સંસ્કૃત નાટ્યાત્મક રજૂઆતો કરવામાં આવી હતી. ઉપરાંત, સંસ્કૃત ભાષા અને તેના વૈજ્ઞાનિક મહત્વ વિશે તજજ્ઞોના વિશેષ વ્યાખ્યાન યોજાયા હતા.  

કાર્યક્રમ દરમિયાન માર્ચ-૨૦૨૬ ની બોર્ડ પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું ભગવદ્ ગીતા અને પ્રમાણપત્ર આપીને ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.  

સન્માનિત વિદ્યાર્થીઓમાં 

ભોયે મહિમાબેન દિલીપભાઈ (૧૦૦/૧૦૦ ગુણ), તથા કુંવર રોશનીબેન વિજયભાઈ (૧૦૦/૧૦૦ ગુણ) નો સમાવેશ થાય છે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈ.આઈ. રોહનભાઈ ટંડેલ અને જિલ્લાના સંસ્કૃત નોડલ અધિકારી સુ દિપ્તીબેન સોલંકી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 

દરમિયાન શાળા પરિવાર અને સ્થાનિક અધિકારીઓએ ઉપસ્થિત રહી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Related posts

Leave a Comment