હિન્દ ન્યુઝ, ડાંગ
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માર્ગોના મજબૂતીકરણ તથા જરૂરી માર્ગ વિકાસ કામોને વેગ આપવા માટે નાણાકીય મંજૂરી આપવામાં આવી છે.
આ અંતર્ગત ડાંગ જિલ્લામાં વઘઈ–ડુંગરડા–ભેસકાતરી રોડના વિકાસ અને મજબૂતીકરણ માટે કુલ રૂ. ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી મંજૂરી મુજબ ડાંગ જિલ્લામાં વઘઈ–ડુંગરડા–ભેસકાતરી માર્ગના એક ભાગ માટે ODR શ્રેણીમાં ૧૮.૯૩ કિ.મી. લંબાઈના કામ માટે રૂ. ૨૨ કરોડ તથા આ જ માર્ગના અન્ય ભાગ માટે SH શ્રેણીમાં ૫.૦૦ કિ.મી. લંબાઈના કામ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ, કુલ ૨૩.૯૩ કિ.મી. માર્ગના વિકાસ માટે રૂ. ૩૨ કરોડનું નાણાકીય આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગના કામમાં રીસર્ફેસિંગ સહિત અન્ય જરૂરી કામો હાથ ધરવામાં આવશે.
આ માર્ગનું મજબૂતીકરણ થતાં વઘઈ, ડુંગરડા, ભેસકાતરી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે વધુ સુગમ અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.
ડાંગ જિલ્લો ભૌગોલિક રીતે પહાડી અને વનવિસ્તાર ધરાવતો હોવાથી અહીં ગુણવત્તાયુક્ત માર્ગ વ્યવસ્થા સ્થાનિક લોકોના દૈનિક જીવન સાથે સાથે કૃષિ પેદાશોના પરિવહન, શૈક્ષણિક તથા આરોગ્ય સેવાઓ સુધીની પહોંચ અને પ્રવાસન પ્રવૃત્તિઓ માટે પણ મહત્વપૂર્ણ બની રહે છે. આ માર્ગના મજબૂતીકરણથી ગ્રામ્ય વિસ્તારોને મુખ્ય માર્ગો સાથે વધુ સારો જોડાણ લાભ મળશે.
રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા આ માર્ગ વિકાસ કામો ઉપલબ્ધ જમીન અને જરૂરી પરવાનગીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત ધોરણો મુજબ હાથ ધરવામાં આવશે. કામની ગુણવત્તા જળવાઈ રહે અને નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે સંબંધિત તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
ડાંગ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાના મજબૂતીકરણ તરફ રાજ્ય સરકારનું આ પગલું સ્થાનિક જનજીવનને વધુ સરળ બનાવવાની સાથે જિલ્લાના સર્વાંગી વિકાસને પણ નવી ગતિ આપનારું સાબિત થશે.
