હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લામાં આગામી તા.૯ થી ૧૪મી ઓગસ્ટ સુધી વિવિધ વિભાગના કાર્યક્રમો, સ્પર્ધાઓ અને એક્ટીવિટીઝ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે, જે સંદર્ભે મેયરશ્રી માયાબેન માવાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુ સાથે યોજાનાર હર ઘર તિરંગા અભિયાન હેઠળ શહેર-જિલ્લાના મહત્તમ નાગરિકોને સાંકળી લઈ વિશાળ જનભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય તેની તકેદારી રાખવા કલેક્ટરએ જરૂરી સૂચનાઓ આપી હતી.
શહેર-જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગો અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ, સામાજિક સંસ્થાઓ વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ હોવાનું કલેક્ટરએ કહ્યું હતું.
કલેક્ટરએ તમામ સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, વેપારી સંગઠનો, સામાજિક સંસ્થાઓ તથા યુવા-મહિલાશક્તિની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
ડે.કલેક્ટર (પ્રોટોકોલ)શ્રી એ.પી. ગોહિલે જણાવ્યું કે, સુરત જિલ્લામાં આગામી ૧૪મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન સુધી વિવિધ વિભાગના કાર્યક્રમો, સ્પર્ધાઓ અને એક્ટીવિટીઝ સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે. શિક્ષણ વિભાગ દ્વારા શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓના સહયોગ સાથે વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ, નિબંધ લેખન, પ્રભાતફેરી, ચિત્ર તથા રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. તા.૧૪મી ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા સ્મૃત્તિ દિવસ’ કાર્યક્રમ પણ યોજાશે. દેશ માટે પ્રાણોનું બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
બેઠકમાં જિ. પંચાયત પ્રમુખ સમીર મોદી, મનપાના સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, પોલીસ કમિશનર વાબાંગ જમીર, જિલ્લા પોલીસ વડા રાજન ગઢીયા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારીઓ સહિત પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
