સિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે હેન્ડલુમ વસ્ત્રોમાં સજ્જ થઈ મહિલાઓ ‘માય હેન્ડલુમ, માય પ્રાઇડ’ થીમ સાથે રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની ઉજવણી કરશે

હિન્દ ન્યુઝ, સુરત

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત નિર્માણ, દેશના હાથશાળ (હેન્ડલુમ) અને હસ્તકલાના કલાકારોને પ્રોત્સાહિત કરવા તેમજ નારી શક્તિના સશક્તિકરણ માટે અનેકવિધ કલ્યાણકારી પહેલો કરવામાં આવી છે. આ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવતા દર વર્ષની જેમ ૭મી ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને સુરત મહાનગરપાલિકા, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની લેડીઝ વિંગ, WICCI એન્ટરપ્રિન્યોર સેલ, અમી હેન્ડીક્રાફ્ટસ તથા અવની સાડીના સંયુક્ત ઉપક્રમે સુરતના સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ચાલી રહેલા ‘ક્રાફ્ટ રૂટ’ એક્ઝિબિશનમાં એક વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં તા.૭મીએ સવારે ૧૦:૩૦ વાગ્યે ભારતીય સંસ્કૃતિની ગૌરવશાળી વિરાસતને જાળવવા અને હેન્ડલુમ કલાકારોના કૌશલ્યને બિરદાવવા માટે મોટી સંખ્યામાં બહેનો પારંપરિક હેન્ડલુમના વસ્ત્રો ધારણ કરીને “માય હેન્ડલુમ, માય પ્રાઇડ”ની થીમ સાથે સહભાગી થશે.

          આ વેળાએ મેયર શ્રીમતી માયાબેન માવાણી, પૂર્વ કેન્દ્રીય રેલવે તથા ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, અગ્રણીઓ અંજુબેન વેકરીયા, ઝંખનાબેન પટેલ અને ચેમ્બર લેડીઝ વિંગના ચેરમેન શ્રીમતી અલ્પાબેન મદ્રાસી ખાસ ઉપસ્થિત રહેશે.

       આ ઉપરાંત અમી હેન્ડીક્રાફ્ટસના ભાવનાબેન દેસાઈ, સાડી ડ્રેપિંગ એક્સપર્ટ શ્રીમતી હીના ઘેહાની તથા અવની હેન્ડલુમ સાડીના શ્રીમતી શિલ્પી સાધ સહિત વિવિધ ક્ષેત્રની મહિલા ઉદ્યોગસાહસિકો અને અગ્રણીઓ પણ કાર્યક્રમમાં જોડાઈને કલાકારોનો ઉત્સાહ વધારશે.

Related posts

Leave a Comment