જામનગર ખાતે PC & PNDT એક્ટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

   જામનગર જિલ્લામાં ‘પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ’ ના ચુસ્ત અને અસરકારક અમલીકરણ તેમજ નિયમિત દેખરેખ માટે જિલ્લા પંચાયત, જામનગર ખાતે ‘જિલ્લા સલાહકાર સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ભૃણ હત્યા જેવી સામાજિક બદીને અટકાવવા અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અન્વયે વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગવંતી બનાવવા ચિંતન કરાયું હતું.બેઠકની શરૂઆતમાં અગાઉની મીટિંગના અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું અને તેના પર લેવાયેલા પગલાંની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં સમિતિ સમક્ષ આવેલી વિવિધ અરજીઓ અન્વયે નિયમાનુસાર પાત્રતા ધરાવતા નવાં સોનોગ્રાફી ક્લિનિક્સ તેમજ સંબંધિત એજન્સીઓને રજિસ્ટ્રેશન આપવા અંગે સર્વાનુમતે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ‘ક્લિનિક વેરિફિકેશન રિવ્યુ’ હેઠળ જિલ્લામાં કાર્યરત સેન્ટરોની તપાસણીની કામગીરીની સમીક્ષા કરીને તમામ સોનોગ્રાફી સેન્ટરોનું ઇન્સ્પેક્શન વધુ સઘન અને નિયમિત બનાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. એક્ટના ‘રૂલ્સ-૧૩’ અન્વયે કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓને વધુ સુચારુરૂપે ચલાવવા માટે નવા તબીબોની નિમણૂંક કરવા સહિતના મહત્વના વિષયો પર સભ્યો દ્વારા ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો. સાથે જ સમિતિના સભ્ય અને જિલ્લા સરકારી વકીલશ્રી જમનભાઈ ભંડેરી દ્વારા PC & PNDT એક્ટ હેઠળ અદાલતમાં ચાલતા વિવિધ કાયદાકીય કેસોની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા પણ કરવામાં આવી હતી.

આ સમીક્ષા બેઠકમાં સમિતિના ચેરમેન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પંકજકુમાર સિંઘ, તૃપ્તિબેન રાઠોડ, ડૉ. આર.બી.ગુપ્તા તેમજ અન્ય સરકારી અને બિન-સરકારી સભ્યો તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment