હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં વસતા નાગરિકો, ખેડૂતો અને પશુપાલકોની આર્થિક ઉન્નતિ થાય તે માટે જિલ્લામાં સહકારી મંડળીઓનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ત્યારે આવી જ એક વઘઇ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘમાળ ગામની શ્રી મહિલા સંચાલીત દૂધ ઉદ્પાદક સહકારી મંડળીએ ગામમાં આર્થિક સધ્ધરતાં લાવી છે. વર્ષ ૨૦૦૬ થી શરૂ થયેલ વાઘમાળ ગામની આ દૂધ મંડળીમાં હાલમાં ૭૭ પશુપાલકો સભાસદો ગામમાં દૂધ મંડળી ચલાવી રહ્યાં છે. ગામના આશરે ૮૦ થી ૯૦ ટકા લોકો દૂધ મંડળી સાથે જોડાઇ પશુપાલનનનો વ્યવસાય કરી રહ્યાં છે. છેલ્લાં ૨૦ વર્ષ થી કાર્યરત આ દૂધ મંડળી દ્વારા વાર્ષિક ૧.૩૨ કરોડથી વધુની આવક થાય છે જ્યારે માસિક સરેરાશ રૂપિયા દસ લાખ થી વધુની આવક થાય છે.
ગામના આગેવાન પ્રકાશભાઇ બિરારી જણાવે છે કે, ગામના દરેક લોકો આ દૂધ મંડળી સાથે સંકળાયેલા છે. લોકો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે જેના કારણે લોકોને ગામમાં જ રોજગારી મળી રહે છે. ડેરી દ્વારા માસિક કપાત કરીને છ લાખ થી વધુની રકમ લોકોને તેઓના બેંન્ક ખાતામાં ચૂકવવવામાં આવે છે. આ રકમ થી લોકો પોતાનું આર્થિક ગુજરાન ચલાવી રહ્યાં છે.
વધુમાં પ્રકાશભાઇ જણાવે છે કે, સરકાર દ્વારા દુધાળા પશુ ખરીદીની યોજના અંતર્ગત ગામ લોકોને પશુ ખરીદી માટે સહાય આપવામાં આવી છે.
ગામના પશુપાલક શ્રીમતી લલિતાબેન જયરામભાઇ ભોયે જણાવે છે કે, તેઓ ખેતી કામ સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે. જેમાં ખેતી કામ સાથે પુશપાલન વ્યવસાય કરવો સરળ બને છે. ઘાસચારો સહેલાઇથી ખેતરમાંથી મળી રહે છે. આ વ્યવસાયના કારણે તેઓને બહારગામ મજૂરી અર્થે જવું નથી પડતું. ઘરઆંગણે તેઓને રોજગારી મળી રહે છે. દર મહીને ઘરમાં આવક આવતી હોવાથી ઘરના તમામ ખર્ચા તેઓ ઉપાડી લે છે અને તેઓ આત્મનિર્ભર બન્યાં છે.
વાઘમાળ દૂધ મંડળી દ્વારા વર્ષ ૨૦૨૫/૨૬ માં વાર્ષિક ૩ લાખ ૫૧ હજાર ૫૬૫ લિટર દૂધ સંપાદીત કરવામાં આવ્યું હતું. જેની કિંમત રૂપિયા ૧ કરોડ ૩૨ લાખ ૭૯ હજાર ૨૬૩ જેટલી માતબર રકમ થાય છે. શ્વેતક્રાંતિ અને હરિયાળી ક્રાંતિના માધ્યમથી આ મંડળી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી જન-જનને સ્વનિર્ભર બનાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી.પરમારે પોતાની ક્ષેત્રિય મુલાકાત દરમિયાન વાઘમાળ ગામની મુલાકાત લઇ ગામના સો પશુપાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાગં જિલ્લામાં ડેરી ઉદ્યોગના વિકાસમાં મહિલાઓનો સિંહફાળો રહ્યો છે. જિલ્લામાં હાલ કુલ ૧૯૪ મહિલા સંચાલિત દૂધ મંડળીઓ કાર્યરત છે. જેમાં વઘઈ તાલુકામાં ૭૨, સુબીર તાલુકામાં ૬૩ અને આહવા તાલુકામાં ૫૯ મંડળીઓનો સમાવેશ થાય છે. જેમાં કુલ ૧૧૦૧૭ દૂધ ભરતાં સભાસદો જોડાયેલા છે. આ મંડળીઓ દ્વારા દૈનિક ૭૦,૦૦૦ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં (૨૦૨૫-૨૬) જિલ્લામાં ગાય અને ભેંસનુ કુલ ૨.૬૫ કરોડ લીટર દૂધનું સંપાદન થયું છે. જેના થકી પશુપાલકોના ઘરે રૂ. ૧૧૦ કરોડ જેટલી માતબર રકમ દૂધની આવક સ્વરૂપે પહોંચી છે.
