હિન્દ ન્યુઝ, દાહોદ
સભ્ય સચિવ જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી સહ નાયબ પશુપાલન નિયામક, પશુપાલન શાખા, જીલ્લા પંચાયત દાહોદની અખબાર યાદી જણાવે છે કે, સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના નોટિફિકેશન (નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) 28/2024) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે તા.૦૫/૦૯/૨૦૨૩ ના પરિપત્રથી સુચના થયેલ છે.
જે બાબતે પ્રાણી ક્રુરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીની બિન જરૂરી પીડા, વેદના, ન આપવા અંગે જોગવાઈ થયેલ છે. જે અન્વયે અત્રેના દાહોદ જિલ્લામાં ઉક્ત જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવાની થાય છે. (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે, જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર (ગ્લુટ્રેપ) વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે. તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ હોય છે. જેના પરિણામે ડીહાઈડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.
ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પધ્ધતીઓ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ ની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રુર પધ્ધતિ ના અપનાવવા ઉંદર પકડવા સારૂ વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર દાહોદ જીલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉક્ત સુચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી કુરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એમ જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સમિતિ અને નાયબ પશુપાલન નિયામક દાહોદ દ્વારા લોકહિતમાં અખબાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવે છે.
