મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેરગામ અને ચીખલી તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’નો ભવ્ય પ્રારંભ

હિન્દ ન્યુઝ, નવસારી

    રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલના પ્રેરણાદાયી અધ્યક્ષ સ્થાને ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ મહોત્સવની જિલ્લાના વિવિધ સ્થળોએ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળા પ્રવેશોત્સવના અંતિમ દિને તા.૨૫ જૂનના રોજ ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા તેમજ ચીખલી તાલુકાના પીપલગભણ અને ખૂંધ ખાતે ત્રિવિધ સ્થળોએ યોજાયો હતો. 

કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા ‘સર્વ શિક્ષા અભિયાન મિશન’ ના મુખ્ય ધ્યેયો ૧૦૦% નામાંકન, સ્થાપયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણને ચરિતાર્થ કરવાના હેતુથી આ પરિણામલક્ષી શૈક્ષણિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો.  

આ પ્રસંગે મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતાં મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોના બાળકોને શ્રેષ્ઠ અને આધુનિક શિક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. મંત્રીએ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળા પરિવારમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં હાલ કુલ ૨૨૮ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં બાલવાટિકાના ૧૪ પ્રવેશપાત્ર બાળકો ને નવો પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત, વાડ ઊંચાબેડા પ્રાથમિક શાળાના કુલ ૩૬ બાળકોની સાથે બાલવાટિકાના ૦૪ બાળકોને પણ દીક્ષિત કરી ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો સંકલ્પ દોહરાવાયો હતો. આ ભવ્ય ઉજવણીમાં વિવિધ શાળા સમિતિના સદસ્યઓ, ગ્રામ આગેવાનો, સી.આર.સી. કો-ઓર્ડિનેટર અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓના સહયોગથી આ પ્રવેશોત્સવ માત્ર શાળાઓ પૂરતો સીમિત ન રહેતાં, સમગ્ર ગ્રામીણ પંથક માટે એક યાદગાર ઉત્સવ બની રહ્યો હતો.

Related posts

Leave a Comment