હિન્દ ન્યુઝ, નવસારી
ગણદેવી તાલુકાની એન. બી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, કેસલી ખાતે તા.૨૫ જૂનના રોજ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ જ ઉત્સાહભેર યોજાયો. કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રાથમિક શાળા કેસલી અને પ્રાથમિક વિદ્યામંદિર અંભેટાના સંયુક્ત સહયોગથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦% નામાંકન અને કન્યા કેળવણીના ઉમદા ધ્યેયને સિદ્ધ કરવાના હેતુથી સરકારશ્રીના સર્વ શિક્ષા અભિયાન મિશન હેઠળ આ પરિણામલક્ષી શૈક્ષણિક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રવેશોત્સવ પ્રસંગે કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા શાળામાં નવપ્રવેશી બાળકોને કુમકુમ તિલક અને પુસ્તકો આપીને આવકારવામાં આવ્યા હતા અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવી દેશના ઉજ્જવળ ભવિષ્ય બનવા પ્રેરણા આપી હતી. શાળામાં હાલ કુલ ૩૮૧ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં ચાલુ વર્ષે ધોરણ-૯ માં ૧૩૭ બાળકો તેમજ ધોરણ-૧૧ માં ૬૦ પ્રવેશપાત્ર બાળકોને નવો પ્રવેશ આપી શાળા પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા. વિવિધ સમિતિના સદસ્યો, ગ્રામ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓની સહભાગીદારીથી આ પ્રવેશોત્સવ માત્ર શાળાનો જ નહીં, પરંતુ સમગ્ર કેસલી ગામનો એક અદ્ભુત જન-ઉત્સવ બની રહ્યો હતો.
