હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર ગ્રામ્ય વિસ્તારના લાખાબાવળ, સરમત તથા રાવલસર કેન્દ્રો ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વધારવાના ઉમદા આશય સાથે યોજાયેલા આ જ્ઞાનયજ્ઞ અંતર્ગત લાખાબાવળની કુમાર શાળા, કન્યાશાળા, વાડી શાળા અને ચાપા બેરાજા પ્રાથમિક શાળા તેમજ સરમત પ્રાથમિક શાળા, વાડી શાળા અને રાવલસર ખાતે આવેલ શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય તથા વાડી તાલુકા શાળાના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો હતો. આ શૈક્ષણિક અભિયાન અંતર્ગત ઉજવણીના આ અવસરે બાલવાટિકામાં ૧૦૫ ભુલકાઓએ અને ધોરણ-૯ માં ૫૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળા પ્રવેશીને પોતાના શૈક્ષણિક જીવનના નવા સોપાન સર કર્યા હતા.
મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ નવપ્રવેશિત વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને આકર્ષક શૈક્ષણિક કીટ અર્પણ કરી બાલવાટિકા તેમજ શાળામાં આવકારાયા હતા. આ સાથે જ, કોમન એન્ટ્રેસ ટેસ્ટ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉત્તીર્ણ થયેલા તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપી વિશેષ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વર્તમાન સામાજિક મુદ્દાઓ પર આધારિત પ્રભાવશાળી વક્તવ્યોએ ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા.
આ પ્રસંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ૧૮ થી ૨૦ ટકા જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણના પ્રવેશથી વંચિત રહી જતા હતા, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવના સાર્વત્રિક અભિયાનને પરિણામે આજે શિક્ષણનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. શિક્ષણ એ માનવ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવાનું સર્વોત્તમ માધ્યમ છે. ભારતીય સંસ્કૃતિની ભવ્ય પ્રણાલિકા મુજબ બાળકના શ્રેષ્ઠ ભવિષ્ય અને ચારિત્ર્યનું ઘડતર શાળાના પ્રાંગણમાં જ થાય છે.
