હિન્દ ન્યુઝ, જામનગર
શાળા છોડી ગયેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લઈ ફરી શિક્ષણ તરફ વાળ્યા
મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે યોજાયેલ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૬’ માત્ર એક સરકારી ઔપચારિકતા પૂરતો મર્યાદિત ન રહેતા, રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના સંવેદનશીલ અભિગમનો સાક્ષી બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી.
શૈક્ષણિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, શિક્ષણ મંત્રીશ્રીએ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા રાજ્ય સરકારના નિર્ધારને ચરિતાર્થ કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર પોતે જ મોરચો સંભાળ્યો હતો. અને શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા.
વાલીઓ પાસેથી મેળવ્યું વચન
મંત્રીએ વિદ્યાર્થીઓના ઘરે જઈને તેમના વાલીઓ સાથે મુક્ત મને ચર્ચા કરી હતી. બાળકોએ કયા સંજોગોમાં શાળા છોડી દીધી તેની વિગતો મેળવીને તેમણે વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. મંત્રીની લાગણીસભર સમજાવટ બાદ, તેમણે વાલીઓ પાસેથી બાળકોને નિયમિત શાળાએ મોકલવાનું વચન મેળવ્યું હતું અને બંને વિદ્યાર્થીઓને પુનઃ શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડીને તેમનો શાળામાં ઉત્સાહભેર પ્રવેશ કરાવ્યો હતો.
શિક્ષણ મંત્રીની આ વ્યક્તિગત મુલાકાત અને સંવેદનશીલ પહેલ સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં ભારે આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બની હતી. આ ઘટનાએ એ સાબિત કર્યું કે સરકાર માત્ર આંકડા સુધારવામાં નહીં, પરંતુ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં રસ ધરાવે છે.
