હિન્દ ન્યુઝ, દાહોદ
રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ, દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા સેવાસદન, છાપરી ખાતે વિશેષ ‘મહિલા રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોજગાર મેળામાં હાલોલ સ્થિત જાણીતી કંપની ‘એમ.જી. મોટર્સ’ (MG Motors) દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા મહિલા ઉમેદવારો માટે ખાસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેળાની વિશેષતા એ રહી કે, ઉપસ્થિત મહિલા ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચકાસવા માટે સ્થળ પર જ ઊંચાઈ અને વજનની માપણી કરવામાં આવી હતી, સાથે જ તબીબી તપાસ પૂર્ણ કરી ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જે મહિલા ઉમેદવારો યોગ્ય જણાતા હતા, તેમને સ્થળ પર જ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
રોજગાર મેળામાં દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોતાની કારકિર્દી ઘડવા માટે આવેલી યુવતીઓ અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રકારના મેળાથી સ્થાનિક સ્તરે મહિલાઓને રોજગારી મેળવવામાં સરળતા રહે છે અને તેઓ આર્થિક રીતે સક્ષમ બની શકે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સક્રિય જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત, કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
