હિન્દ ન્યુઝ, દાહોદ
૨૧મી જૂન, ૨૦૨૬ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કક્ષાની ઉજવણી અંગે વિવિધ કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર સુરભી ગૌતમએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ જિલ્લામાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે તથા બહોળી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ યોગ કાર્યક્રમમાં જોડાવવા જણાવ્યું હતું. તેમણે કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
નિવાસી અધિક કલેકટર જે.એમ રાવલએ યોગ દિવસની ઉજવણી માટે કરવામાં આવનાર વિવિધ વ્યવસ્થાઓ, સ્થળ વ્યવસ્થા, ઉપસ્થિતિ, પ્રચાર-પ્રસાર સહિતની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સિદ્રારાજ જયસિંહ છાબ તળાવ.ખાતે યોજાશે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ , જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોઢલીયા,જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારિયા, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા,જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી,સહિત વિવિધ વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
