જૂનાગઢ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા અને અપરાજિતા ફાઉન્ડેશન વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત જિલ્લાના વિવિધ ઘટકોમાં કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ખાસ ડિજિટલ સેશન્સનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

     મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી કિશોરીઓના સશક્તિકરણ માટે એક પ્રશંસનીય અને અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા અને અપરાજિતા ફાઉન્ડેશન વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત જિલ્લાના વિવિધ ઘટકોમાં કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ખાસ ડિજિટલ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

“ટીમ ટીમ તારા” (TTT) પ્રોગ્રામ અંતર્ગત વંથલી, માણાવદર, માંગરોળ, માળિયા, મેંદરડા અને વિસાવદર ઘટકની સ્માર્ટ ટીવીની સુવિધા ધરાવતી આંગણવાડી કેન્દ્રો પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં કેન્દ્ર પર નોંધાયેલી તમામ કિશોરીઓને તેમના રોજિંદા જીવન અને ભવિષ્યમાં ઉપયોગી બને તેવા ‘લાઇફ સ્કીલ’ (જીવન કૌશલ્ય) ના ખાસ પ્રેરણાદાયી વીડિયો બતાવવામાં આવ્યા હતા અને ખાસ તજજ્ઞો દ્વારા તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ડિજિટલ પહેલના ભાગરૂપે ગત તા.૦૯/૦૬/૨૦૨૬ થી ૧૨/૦૬/૨૦૨૬ સુધી એક ખાસ સમર કેમ્પ (Summer Camp) નું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ચાર દિવસ સુધી ચાલેલા આ કેમ્પમાં કિશોરીઓને આત્મવિશ્વાસ, નિર્ણય શક્તિ, સ્વાસ્થ્ય, અને સંકટ સમયના વ્યવહાર જેવા Life Skills Development (જીવન કૌશલ્ય વિકાસ) ના મહત્વપૂર્ણ પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ માહિતી આગામી સમયમાં કિશોરીઓના શ્રેષ્ઠ ભવિષ્ય અને મજબૂત જીવન ઘડતરમાં સીમાચિહ્ન રૂપ સાબિત થશે. તેમ પ્રોગ્રામ ઑફિસરશ્રી, આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment